- ઉર્મિલા પાલેજા
“રમા, હમણાં આવું છું.” કહી મોટાભાગના રાજકોટવાસી પુરુષોની જેમ કિરણ પાનખાવાના કાપરઆવેલી પાનની દુકાને જવાની કળ્યો. રમાબધાં કામથી ય પરવારી ગઈ.કલાક ઉપર થઈ ગયો હજી કિરણ ન આવ્યો ? મનોમન વિચારતાં રૂમમાં જઈ કપડાં બદલ્યાં. રાહ જોતાં બીજો અડધો કલાક કાઢ્યો. સોહમ,એમનો દીકરો એંજિનિયરીંગના છેલ્લાં વર્ષની પરીક્ષાની તૈયારીમાં લાગેલો, એના રૂમમાં ભણતો હતો. રમાએ એની પાસે જઈ ચિંતા વ્યક્ત કરી. સોહમ તુરંત ગલીના નાકે આવેલ પાનવાળાની દુકાને ગયો. કિરણના બીજાં બધાં મિત્રો હજુ ત્યાં બાંકડે બેસી ગપ્પાં મારતાં હતાં.
સોહમે પૂછ્યું, “કાકા, મારાં પપ્પા આવ્યા હતાં ને ? ક્યાં ગયા ? “
“ કિરણે તો પાન ખાઈને તરત ચાલતી પકડી. મેં પૂછ્યું ય ખરું -કેમ ભઇલા આજે બેસવું નથી ?- તો ખાલી એટલું બોલ્યો -ના, જરા લટાર મારી આવું છું.”રમેશેકહ્યું.
“ ક્યાં ગયા હશે ? હજુ ઘરે નથી આવ્યા .”
“ ઘણીવાર હેમંતની ઓસરીમાં હીંચકા પર બેસી બેઉ ગપ્પાં મારતાં હોય છે કદાચ ત્યાં હોય.”
“ સારું કાકા, ત્યાં જોઈ આવું છું.”કહીસોહમહેમંતનાઘરતરફવળ્યો.
“ હમણાં હમણાંનો કિરણ બહુ શાંત રહે છે. પહેલાં તો કેટલો વાતોડીયો ને રમૂજી હતો.”
“ આ ધંધાની ખોટ, પૈસાની ઉપાધિ, લેણદારોના તકાજા ભલભલાની છાતીના પાટિયા બેસાડી દ્યે .”
“ ઘણાંય હાથપગ મારે છે પણ આમાંથી બહાર નથી નીકળી શકતો. “
“ આપણે ય હમણાં માંડમાંડ ઘર ચલાવવાની જોગવાઈ થાય છે નહીંતર કાંઈક કરી છૂટત એના માટે. “
ત્યાં સોહમ રઘવાયો પાછો આવ્યો , “ કાકા, પપ્પા ત્યાં પણ નથી. “
બધાં ઝડપી ચાલે કિરણના ઘર ભણી ચાલ્યા. આ બાજુ રમા રડમસ, ચિંતિત ઓસરીમાં રાહ જોતી ઉભી હતી. કિરણ સિવાય બધાંને જોઈ વધુ ઢીલી થઇ ને ફસડાઈ પડી.
વાયુવેગે આખા મહોલ્લામાં વાત પ્રસરી ગઈ. રમાની બહેનપણીઓ એને સંભાળવા આવી પહોંચી. કિરણ ને સોહમના મિત્રો અલગ અલગ ટુકડીઓ બનાવી જુદે જુદે ઠેકાણે શોધવા નીકળી પડ્યાં. જેના જેના ઘરે કે જ્યાં જ્યાં એના હોવાની શક્યતા હતી ત્યાં બઘે જઈ આવ્યા. ડરના માર્યા રેલ્વેના પાટા પર પણ જોઇ આવ્યા. આખી રાત વિધ વિધ હોસ્પિટલોમાં ય તપાસ કરી આવ્યા. ક્યાં ય કશી ભાળ નહીં ને એંધાણ યે નહીં. થાકી પાકીને બધાં રાતના ત્રણ વાગે ઘરે પાછા આવ્યા. રમાના ભાઈભાભી આવી ગયાં હતાં, બધાં એ લોકોને ધીરજ-હિમંત બંધાવી પોતપોતાના ઘરે ગયાં.
ઘરના બધાંની નીંદર વેરણ થઈ ગઈ હતી. અડખાંપડખાં ઘસતાં બધાંએ રાત પૂરી કરી. સવાર પડી, સોહમ ને મામા પોલીસ ચોકી તપાસ કરવા ને ફરીયાદ નોંધાવવા પહોંચ્યા. રાબેતા મુજબ પોલીસે ચોવીસ કલાક પછી આવવા જણાવ્યું. ફરી બીજે દિવસે બધી માહિતી આપી ફરીયાદ નોંધાવી. ફરી ઠેકઠેકાણે તપાસ કરી. દિવસો ઉપર દિવસો વીતવા માંડ્યા. છાપામાં ફોટો આપ્યો. ‘ક્યાંય જોયા હોય તો ખબર કરો ‘ ચોપાનિયાં છપાવી ઘરે ઘરે નખાવ્યા. પોલીસ ચોકીના આંટાફેરા માર્યે રાખ્યા. કોઈ એંધાણ, કોઈ સગડ, કોઈ કડી, કંઈ હાથ ન લાગ્યું. પોલીસે લેણદારોને બોલાવી દાટી આપી પૂછપરછ કરી જો કે આમાં કોઈ દોષી ન જણાયા. પોલીસ એની રફતારમાં ઉલઝી ગઈ. બીજા બધાં પણ ભારે હૈયે નસીબ માની આગળ વધી રહ્યાં, સિવાય એક રમા. દિવસો, મહિનાઓ ને વર્ષો વીતી રહ્યાં, ન કિરણ ડોકાયો ન ક્યાંય એના વાવડ મળ્યાં.
રમા જીવતી તો હતી પણ જીવંત નહતી. અકાળે વૃધ્ધ દેખાવા લાગી. કોઈને પણ આ રમાને ઓળખવી મુશ્કેલ હતી. સોહમને હવે સારી આઈ ટી કંપનીમાં સારા પગારની નોકરી મળી હતી એને કારણે આઠ-દસ કલાક તો બહાર રહેવું જ પડતું. એને ડર રહેતો આ નિરાશાવાદી વલણને કારણે મા કોઈ અઘટિત પગલું ના ભરી બેસે. પડોશીઓના સધિયારા, પ્રેમ ને જતનને લીધે એને થોડો સહારો રહેતો. સોહમ, કોઈ પડોશી, સખી કે સગાંસંબંધી રમાનું મન બહેલાવવા એની સાથે વાતો કરવા બેસે તો રમાની વાતો હરીફરી કિરણ પર આવી અટકી જતી. રમાની વાતોનો સૂર એક જ રહેતો- કિરણ મને ને સોહમને છોડી ક્યાંય ન જઈ શકે . એને અમારા વગર એક દિવસ યે ક્યાંય ગોઠતું નહીં. જોજોને હમણાં થોડા દિવસોમાં પાછો આવશે. પાછી ભૂતકાળમાં ડૂબકી મારતાં કહેતી, “ કિરણને હરીદ્વાર બહુ પ્રિય. એ હમેંશ કહેતો-સોહમને પરણાવી પરવારી જઈશું પછી આપણે કાયમ માટે અહીં જ આવીને રહીશું. મને અહીંયા ખૂબ ગમે છે, પરમ શાંતિ મળે છે.
કોઈએ વળી પૂછ્યું ય ખરું, “ રમા, તો કિરણભાઈ ત્યાં તો નહીં પહોંચી ગયા હોય ? ત્યાં તપાસ કરાવી ? “
“ ના ના, મને આવી રીતે ચિંતામાં મૂકીને એ ત્યાં શાંતિ પામવા ન જાય.”
મળનાર જાય પછી એની નજર સામે એના પ્રેમાળ પતિનો ઉત્સાહિત, હસતો, ખુશનુમા ચહેરો તરવર્યે રાખતો. જે માણસે મને એક ઉંચો વેણ બોલીને ય દુભવી નથી એ મને આવી ભડભડતી અગ્નિમાં છોડી જઈ શકે ? એના માટે માનવું ને સ્વીકારવું અશક્ય હતું. લગ્ન થયાં ત્યારે મર્યાદિત આવક હતી ત્યારે ય રોજ એક ગજરો લઈ આવી પીનમાં ભરાવી માથામાં ખોસી દેતો. પતિનો એ પ્રેમાળ સ્પર્શ હજુય અનુભવાતો. દિવાળીએ સાવ સાધારણ તોયે ત્રણેય માટે એક એક જોડી નવીન કપડાં લઈ આવતો, ઉમંગભર્યો, ખુશખુશાલ પતિ આવતો દેખાતો. સોહમના જનમ પછી નોકરી કરતાં સાથોસાથ ધંધો શરુ કર્યો, ધંધો સરખો ચાલતાં નોકરી છોડી ધંધો વિસ્તાર્યો ને રાતદિવસની મહેનતથી ધંધો સરસ જામ્યો.
ચાલી સિસ્ટમ ઘર છોડી આ બે બેડરુમ કિચનના ઘરમાં લઈ આવ્યો ત્યારે એના ચહેરા પર કેવી વિશિષ્ટ, સુખ-શાંતિ-સંતોષ-આનંદની આભા ઝગમગતી હતી. કિરણ ધંધાની તકલીફોથી હારીને અમને પડતાં મૂકી ક્યાંય ન જઈ શકે. ના, મારો કિરણ એવો નથી. એ મારા ને સોહમ માટે જરુર પાછો આવશે. એ અમને રોતાં, કકળતાં રાખીને જીવી ન શકે ને અમને આવી દ્વિધાભરી જિંદગી આપી મરે પણ નહીં-ક્યારેય નહીં. ઘાયલ થયેલાં એના મન,અંતર,આત્મા પતિનો વિયોગ અપનાવવા એને ભાગેડુ સમજી માટીપગો માનવા કે મૃત માનવા તૈયાર જ નહતાં થતાં. એ હવે સંજોગોનુસાર જીવતી થઇ હતી પણ કિરણ કિરણની જપમાળા સતત મનોમન ચાલુ હતી.
આ વાતને ત્રણેક વરસ વીતવા આવ્યાં. એક દિવસ અચાનક એક અંતર્દેશીય પત્ર રમાના નામે આવ્યો , એણે ખોલ્યો.
પ્રિય રમા,
મારે ઘણાં વખત પહેલાં તને પત્ર લખવો હતો પણ ન કરી શક્યો. મેં જે પગલું ભર્યું એ મારે નછૂટકે ભરવું પડ્યું હતું આપણું ઘર બચાવવા. તને ખબર છે મારે ધંધામાં ઘણી તકલીફ આવી ને માથે મોટી ખોટ ને પૈસાની તંગી વર્તાતી હતી. સવજીકાકાનું ભારે દેવું ચડી ગયું હતું. એમની મોટી રકમ મારાં ધંધામાં સલવાઈ ગઈ હતી. સવજીકાકાએ ઘણી ધીરજ ધરી, ઘણો સાથ આપ્યો પણ એમને ય આગળ બીજાંને ચૂકવવાના હતાં, એ લોકો એની પાસે તકાજો કરતાં તેઓ પણ જબરી મુસીબતમાં ફસાઈ ગયાં હતાં. તેમણે મને એક બે વાર સમજાવ્યો ઘર વેંચી એમની રકમ ચૂકવવા. હું વાયદો આપતો રહ્યો. પછી એમણે બે ત્રણ વખત દબાણ કરી દમદાટી આપી. હું વિનવણી કરતો રહ્યો. અંતે એમના લેણદારોના પઠ્ઠાઓએ મને એક બે વાર રસ્તામાં આંતરી ઘર વેંચી કાકાને રકમ ભરપાઈ ન કરી તો માઠાં પરીણામ ભોગવવાની ચેતવણી આપી. વળી તારું ને સોહમનું નામ લઈ ગંભીર ધમકી યે આપી. ને મેં નછૂટકે ઘર છોડ્યું. ઘરમાં પહેલું નામ મારું છે ને બીજું તારું. સાત વરસ સુધી મારું મૃત શરીર ન મળે ત્યાં સુધી કાનૂન મને જીવીત માને એટલે કાયદાકીય હું ન હોઉં તો સાત વરસ સુધી આપણું ઘર ન વેંચાય. મેં જીવનવીમામાં મોટી રકમનું રોકાણ કર્યું છે જે ચાર વરસ પછી પાકશે એ આપણે સવજીકાકાને ચૂકવી ચિંતામુક્ત થઈ શાંતિથી જીવી શકશું. સવજીકાકા હવે ફરી તેજીમાં આવી ગયા છે, પણ મારે એમને એમના પૈસા વ્યાજ સહિત ચૂકવી દેવા છે. મારે એમ કોઈના પૈસા ખાઈ કરમનું ભાથું નથી બાંધવું. હવે ફક્ત ચાર વરસની વાર છે. હું કોઈકોઈ વાર તારાં સંપર્કમાં રહ્યાં કરીશ. મારી શોધ ના કરતી. સોહમને કે બીજાં કોઈને પણ આ પત્ર વિશે કે મારાં વિશે હું સામે ન આવું ત્યાં સુધી એક હરફે ન ઉચ્ચારતી. તમારાં બેઉ વગર જીવવાનું મારા માટે ઘણું દુષ્કર છે. હું જરુર પાછો આવીશ વિશ્વાસ રાખજે , આપણે સહુ ફરી એકવાર આપણાં સુખમહેલમાં સાથે રહીશું. બેબાકળી થઈ આ પત્ર ને મારા વિશે ઘટસ્ફોટ કરી મારી તકલીફો ન વધે એનું ધ્યાન રાખજે. ત્યાં સુધી એકબીજાનું મનોબળ બની જીવીએ.
સદા ને સદા તને ને સોહમને ઝંખતો,ચાહતો.
કિરણ.
રમા એકી બેઠકે પત્ર પચ્ચીસવાર વાંચી ગઇ. ઘડીકમાં રાજી થાય ઘડીકમાં ચોધાર રડે. એક બાજુ દિલને શાતા વળી હતી તો બીજી બાજુ અજંપો વધુ તીવ્ર બન્યો હતો. ડહોળાયેલા પાણીનો જે કાદવ નીચે બેસી ગયો હતો ને નીર શાંત ને સ્થિર થઈ ગયાં હતાં એમાં કાંકરીચાળાથી ફરી વમળ ઉમટ્યા, પાણી ડહોળાયું, ભૂતકાળ ઉલેચાયો ને ઘૂમરી ખાવા લાગ્યો. આશાનો દીવડો જે હવે બુઝાવાને આરે હતો એમાં ફરી તેલ પૂરાયું, સંચાર થયો, સંકોરાયો ને પ્રજ્વલિત થયો. સૂની ને ઉદાસ આંખોમાં ચમક આવી ગઈ, માથાનું લાલ ચટ્ટક સિંદૂર ઉગતાં સૂરજ જેમ સોનેરી વર્તાવા લાગ્યું. એનું સમગ્ર અસ્તિત્વ, તન-મન-આત્મા જે વેરવિખેર થયેલાં દીસતાં તે જાણે ફરી એકરુપ થઈ શાતા પામ્યાં. એ ફરી રોજ બારણે મીટ માંડી ટપાલીની ઉત્સુકતાપૂર્વક રાહ જોતી તો ક્યારેક આનંદીત કિરણને ઘરમાં પ્રવેશતો કલ્પી રહેતી.
કિરણને ચાલી ગયાને સાત વરસ પૂરાં થઈ ગયાં. કાનૂને એને મૃત માની લીધો હતો. એના જીવનવિમાની મસમોટી રકમ મળી. સોહમ પણ એના પિતા જેવી વિચારસરણી ધરાવતો હતો. આ મળેલી મોટી રકમ અને પોતાની બચત કરેલી રકમ ભેગી કરી એણે સવજીકાકાને અને બીજાં લેણદારોને વ્યાજ સહિત લેણી રકમ ચૂકવી પિતાનું ઋણ ચૂકતે કર્યુ .
એ પત્ર આવ્યાને હવે પાંચ વરસ થવા આવ્યાં. કિરણ તરફથી ન કોઈ પત્ર આવ્યો કે ન કાંઈ સમાચાર . રમાના ઉત્પાત ને વ્યગ્રતામાં થતો વધારો એને રઘવાઈ ને બેબાકળી બનાવતાં રહ્યાં. એની આશા જીર્ણ વિજીર્ણ થતી રહી, કિરણની રાહ જોતી નિરાશાની ગર્તામાં સરતી રહી ને ફરી જીવતી લાશ જેમ જીવવા માંડી.
આના પછી બીજાં સાત આઠ વરસના સમયગાળામાં સોહમના લગ્ન થયાં. એના સંતાનો ય હવે ચાર પાંચ વર્ષના થઈ ગયાં. રમા ઘરમાં હરફર કરતાં થોડાં ઘણાં કામ યંત્રવત કરતી રહેતી. નવરી હોય ત્યારે બારી પાસે બેસી બહાર રસ્તો જોયે જ રાખતી. જિંદગી જેમ સામે આવી એમ એનો સામનો તો કર્યો પણ હવે જિજીવિષા ગુમાવી ચૂકેલ લાગતી હતી. સાંઈઠ વર્ષે પંચોતેરની લાગવા માંડી હતી.
સોહમ ઘણીવાર નવું, મોટું ઘર લઇ એમાં રહેવા જવાની ઇચ્છા વ્યક્ત કરે તો રમા કોઈ ને કોઈ બહાના બનાવી વાત ટલ્લે ચડાવી દ્યે.
“ અહીંયા તારાં બાળપણની ને તારાં પપ્પાની યાદોં છે, મારે નથી છોડવું.”
“ આ ઘર અમારી કમાઈનું પહેલું ને છેલ્લું ઘર છે, આ ઘરની ભીંતો સાથે ય મને લગાવ છે …મારે નથી નીકળવું અહીંથી. “
“ આટલું સરસ મોકાનું ઘર છે, અહીંયા બધું આસાનીથી મળી રહે, મને ત્યાં ગામને ગોંદરે નહીં ગોઠે…ને આ ઘર સિવાય ક્યાંય નહીં ફાવે.”
એક દિવસ સોહમે બહુ જીદ કરી ત્યારે અંતે બોલી, “ બેટા, તારાં પપ્પા પાછાં આવે તો એને આ ઘર મળે. નવાં ઘરનું એડ્રેસ જ એની પાસે ન હોય તો આપણી પાસે કેવી રીતે આવે ? “
“ મા, હવે પપ્પાના પાછાં ફરવાની આશા છોડી દે. આટલાં વર્ષો થઈ ગયાં આવવાના હોત તો ક્યારના આવી ગયાં હોત ! કોને ખબર ક્યાં છે ને હયાત ય છે કે નહીં ? “
રમાએ અંતે પત્રની વાત કહી.
“ હા તો પણ શું , મા ? એ વાતને ય બાર તેર વરસ થઈ ગયાં. “
“ મારું મન ક્યે છે એ જીવીત છે. મને મળ્યા વગર ઈ એનો શ્વાસ નહીં છોડે.. સોહમ, સો વાતની એક વાત, હું જીવું છું ત્યાં સુધી એની રાહ જોયે રાખીશ ને મને ખાતરી છે કે એક દિવસ ચોક્કસ આવશે. તું તારે જા બેટા, તારું મનગમતું ઘર લે, વસાવ ને સુખી થા પણ હું તો આ ઘર છોડી નહીં જ નીકળી શકું. “સોહમેપણવાતપડતીમૂકી.
એક રવિવારની સવારે ઘરના પાંચેય જણાં ટેબલ પર ચા નાસ્તો કરતાં બેઠાં હતાં ત્યાં ડોરબેલ વાગી, રમાએ દરવાજો ખોલ્યો. સામે મેલાંઘેલાં કપડાંમાં, ઉંડી ઉતરી ગયેલી આંખોવાળો, ધોળા વિખરાયેલા વાળ, વધેલી દાઢી મૂછોવાળો, મેલો ઘેલો થેલો ખભે લટકાવેલો એક લઘરવઘર માણસ ઉભો હતો. સોહમ યે દરવાજા પાસે આવી આંગતુકને જોતો રહ્યો. પેલો હાંફતો હોય એમ બોલ્યો, “ આ રમા ને સોહમનું ઘર છે ? “
“ હા, તમે કોણ ? શું કામ છે ? હું સોહમ.”
“ હું કિરણ .”કહેતાંપેલાએસોહમનોહાથપકડીલીધો.
સોહમ ને રમા સડક થઈ ગયાં. બેઉએ એને સંભાળીને ઘરમાં લીધો, આરામખુરશીમાં બેસાડ્યો. બેઉ મા દીકરાને હવે કિરણના નાક, નેણ, ચહેરો સ્પષ્ટ થવાં લાગ્યાં. રમા દોડતી રસોડોમાં જઈ પાણીનો ગ્લાસ લઈ આવી, સોહમે બાજુમાં બેસી ધીમે ધીમે પીવડાવ્યું. એણે પોતાનો થેલો રમાને આપ્યો ને આંખો મીંચી પડી રહ્યો. થોડી થોડી વારે ઉધરસનો ઠહકો ખાતો ને ફરી આંખ મીંચી પડી રહેતો જાણે થાક ઉતારતો હોય. રમાએ થેલો ફંફોસ્યો એમાંથી એનું સાવ જર્જરિત થઇ ગયેલું જૂનું પાકીટ, પાકીટમાં એનો ને સોહમનો ફોટો, એનું ડ્રાઇવિંગ લાઇસન્સ ને પચાસ સાંઇઠ રુપિયા મળ્યા સાથે રમાને ઉદ્દેશી લખાયેલ બીજાં ત્રીસ ચાલીસ અંતર્દેશીય પરબીડિયાં ય હતાં. રમાનો જીવ વાંચવા ઉચક થઇ ગયો પણ પહેલાં કિરણને ખાવાપીવા આપું પછી વાત વિચારી બધું સંભાળી ઠેકાણે મૂક્યું. અંદર જઈ ચા મૂકી આવી. ગરમ પાણી ભરેલી બાલદીમાં થોડું કોલન વોટર નાખી સોહમને આપ્યું. સોહમે કિરણને સ્પંજ કરી લૂછી પોતાના સાફ કપડાં પહેરાવ્યા. રમા ચા સાથે સોહમને બહુ ભાવતી ખારી બિસ્કિટ લઈ આવી, કિરણની અનિચ્છા તો પણ પરાણે ખવડાવ્યું.
“ થોડીવાર સૂવું છે.”કિરણબોલ્યો. રમાશયનકક્ષમાંલઇગઇએનેપલંગપરસૂવડાવીધાબળોઓઢાડ્યો. થોડીવારમાંકિરણસૂઈગયોએવુંલાગતાંથેલામાંથીએણેલખેલાપત્રોકાઢ્યા. તારીખવારગોઠવી વાંચવા લાગી. કોઈકમાં ઘર છોડ્યા પછી એણે વેઠેલી પારાવાર તકલીફોનો ચિતાર, કોઈકમાં જલ્દી મળશું એવો આશાવાદ, કોઈમાં હતાશા, કોઈમાં ઘર છોડવાના લીધેલા નિર્ણયનો ભરપૂર અફસોસ, કોઈમાં દટી રહીને જિંદગીનો સામનો કરવાની ખેવના, કોઈમાં જિંદગીનો સામનો કરતાં થાકી જવાની વાત, કોઈમાં વારંવાર વરતી નિષ્ફળતાને કારણે ઘરે પાછા ન આવી શકવાની વ્યગ્રતા, શરમ ને વેદનાનું વિસ્તારપૂર્વક વિવરણ. ‘રમા, તારા ને સોહમ વગરની જિંદગી જીવવી નથી ગમતી. મને આપણા ઘરે પાછા આવવું છે, તમને બેઉને જોવા છે-મળવું છે, તમારા બેઉ સાથે રહેવું છે એટલે જીવી રહ્યો છું. કદાચ મેળ ખાશે તો હું થોડા દિવસમાં તારી પાસે આવીશ તેથી આ પત્ર પોસ્ટ નથી કરતો. ‘ દરેકે દરેક પત્રના અંતમાં આ જ લખેલું હતું. કોઈકમાં ઉમેરેલું હોય, ‘ ખાતરી રાખજે હું કોઈ દિવસ આપઘાત નહીં કરું ને અંતિમ શ્વાસ આપણા ઘરમાં જ લઈશ. મારી રાહ જોજે. ‘
રમા વાંચતી જાય, રડતી જાય ને ભીની આંખો લૂછતી જાય. જમવાનો સમય થયો વહુ થાળી પીરસી લઈ આવી. કિરણને ઉઠાડ્યો ભીંતના ટેકે બેસાડી કોળીયા ભરાવ્યા. સોહમના નાના છોકરાંઓ કુતૂહલથી ને ડરથી માની પાછળ લપાઈને એની સામે જોઈ રહ્યાં. કિરણ એમની સામે હસ્યો, આંગળીઓથી ચપટી વગાડી, મોંથી નાની સીટી વગાડી. “બેટા, દાદા છે, ડરવાનું નહીં. દાદાને ઘણી વાર્તાઓ આવડે છે. કાલે દાદા પાસે વાર્તા સાંભળશું, આવો હમણાં દાદાને પગે લાગો. “રમાએકહ્યું. બેઉબાળકોઆસ્તેઆસ્તેઆવ્યાવંદનકરીઆછુંસુંસ્મિતકરીઉભારહ્યાં, કિરણે બેઉના માથે હળવેથી હાથ ફેરવ્યો ને બોલ્યો,
“ આપણી દોસ્તી પાકી, કાલે સાપસીડી રમશું, તારા પપ્પા સાથે ખૂબ રમ્યો છું. ને એ મારી સાથે ચીટીંગ કરી ઘણી ગેઇમ્સ જીત્યો છે .જાવ બેઉ પપ્પા મમ્મી સાથે જમી લો. રમા તું ય જા જમી લે હવે હું થોડીવાર આરામ કરું છું. “સોહમનેએનીપત્નીપગેલાગ્યાં. સોહમને ગાલે હાથ ફેરવી માથું ચૂમ્યું વહુને માથે હાથ મૂકી અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપ્યાં, છાશ પીને લાંબો થયો.
સાંજે ચાપાણી પીધાં ત્યાં સોહમ એક નાઈને લઈ આવ્યો એણે વાળ કાપ્યા ને દાઢી કરી દીધી. હવે કિરણ બરાબર ઓળખાતો હતો. રમાએ એને હાથે, પગે, બરડે, ચહેરા પર હળવે હાથે તેલ ઘસી દીધું. સોહમે
કહ્યું, “ મા, પપ્પાને થોડાં દિવસ હોસ્પિટલમાં રાખીએ એમને નબળાઈ બહુ વર્તાય છે . ત્યાં ગ્લુકોઝ ચડાવશે, સરખી તપાસ થશે, યોગ્ય દવા આપશે તો તબિયત જલ્દી સારી થશે. “
કિરણે હાથ હલાવી ના કહી ને બોલ્યો ,” ના, મારે હવે ઘરની બહાર નથી જવું.”
“ બેચાર દિવસ જવા દે પછી સમજાવીને લઈ જઈશું. “રમાએસમાપનકરતાંકહ્યું. જેમજેમઆડોશપાડોશ, મિત્રો, સગાંસંબંધીઓને ખબર પડવા લાગી ફોન આવવા લાગ્યાં. કોઈકે ખબર પૂછ્યા, કોઈકે મળવા આવવાની ઇચ્છા દર્શાવી . થોડી માહિતી આપી ને આઠ દસ દિવસ પછી અનુકૂળતા થયે મળવા બોલાવશું કહી વાત સમેટી.
રાતના બધાં સાથે વાળુ કરવા ટેબલ પર આવીને બેઠો. ગરમ ખીચડી, કઢી, તળેલા મરચાં ને ખીચીયા પાપડ જે એને ભાવતાં રમાએ પીરસ્યા. એણે બધાં સાથે વાતો કરતાં સંતોષથી પોતમેળે ખાધું. જમીને થોડીવાર આરામખુરશી પર બેઠો. ફરી થોડીવાર રહી પલંગમાં લાંબો થયો. બધાં એની આજુબાજુ કુંડાળે બેસી વાતોએ વળગ્યા. સોહમે ભણતર,નોકરી,લગ્ન વગેરેની વાતો સંક્ષિપ્તમાં જણાવી. એની પત્ની, હર્ષિતાએ પણ પોતાનો પરિચય આપતાં પોતાના ભણતર, કુટુંબની વિગતો આપી. હવે એ થાકી ગયો ને એને સૂઈ જવું હતું. રમા એના માટે હળદર, સૂંઠ નાખેલું દૂધ લઈ આવી. સોહમ, હર્ષિતા, બાળકો
એમના શયનકક્ષમાં ગયાં. “રમા, રામાયણ વાંચને ! “વર્ષોથીઘરમાંઆચરાતોનિયમહતો, સૂતાં પહેલાં કિરણ ને સોહમ પથારીમાં પડે રમા પંદર વીસ મિનિટ રામાયણ વાંચે પછી જ ત્રણેય આંખ મીંચતાં. રમાએ રાજી થઈ રામાયણ વાંચવાનું શરુ કર્યું ,સાંભળતા સાંભળતા થોડીવારમાં કિરણ સૂઈ ગયો.
રમાને તો કેટલીય વાતો-પોતાના ઉદ્વેગ,રોષ,અસુખની માંડીને કરવી હતી ને કિરણની મૂંઝવણ, તકલીફ, હાડમારી, હાલાકીની એને મોઢે સાંભળવી હતી. દિલના અજંપામાં નીંદર વેરણ થઈ ગઈ હતી. એણે બેચેનીમાં પડખાં ઘસ્યે રાખ્યાં. બેએક કલાક પછી કિરણ ઝબક્યો એણે જોયું રમા હજી જાગે છે. એણે પાણી માગ્યું રમાએ આપ્યું.
“ રમા, કેમ જાગતી પડી છો ? ઉંઘ નથી આવતી ? “
“ ના .”
“ રમા, ભૂખ લાગી છે કાંઈ ખાવા આપ ને થોડી ચા યે બનાવ.”
રમા લઈને આવી. “બેસ, હવે આપણે નિરાંતે વાતો કરીએ, મને ખબર છે તારી ઉંઘ કેમ વેરણ થઈ ગઈ છે ! “
બેઉને વાતો કરતાં,એકબીજાના હાલહવાલ કહેતાં સાંભળતા આખી રાત ક્યારે પૂરી થઈ ગઈ ખબર યે ન રહી. વહેલી પરોઢે બેઉ શાંતિથી જંપી ગયાં.