કેમ મને યાદ નથી કરતાં?
છુટા પડ્યાના વર્ષોના વાણા વાઇ ગયા કેમ મને યાદ નથી કરતા?
ફૂલો પણ ખીલીને મુરજાઇ ગયા કેમ મને યાદ નથી કરતાં?
રાહ તમારી જોઈ જોઈને દુનિયા પણ ઘેલો સમજી બેઠી,
જો, બદનામ થયા ને ચર્ચાઇ ગયા કેમ મને યાદ નથી કરતા?
મોસમ આવે ને જાય, ફરી આવેને જાય સતત ચાલે છે આવું,
પંખીઓ ગીત મધુરા ગાઇ ગયા કેમ મને યાદ નથી કરતા?
કરવા રોજ તમારું સ્વાગત, બેઠા રાત અને દિવસ પુષ્પો થઇ,
યાર, અમેં તો આખેઆખા પથરાઇ ગયા કેમ મને યાદ નથી કરતા?
આ હૈયામાં હેત અને આંખોમાં આશ ભરીને આવ્યા છીએ,
નામ તમારું સુણી હરખાઇ ગયા કેમ મને યાદ નથી કરતા?
શિયાળાની ઠંડી અને હૂંફ ભરી સવારો વીતી ગઈ છે ‘પારસ’,
ફાગણના સઘળા વાયરા વાઇ ગયા કેમ મને યાદ નથી કરતા?
તું ઉપવનમાં આવી હશો એ વિશ્વાસ મને જીવાડે છે ‘પારસ’
તારાં તાજા પગલાં પરખાઇ ગયા કેમ મને યાદ નથી કરતા?
– ડૉ. મનોજકુમાર પરમાર ‘પારસ’