ડૉ. અભિષેકકુમાર બી. દરજી
અનુઆધુનિક યુગમાં દલિત ચેતના અને નારી ચેતનાને વિકસવાનો બહોળો અવકાશ પ્રાપ્ય થયો છે. પરંતુ નારીવાદી નવલકથા ન હોવા છતાં નારીકેન્દ્રી હોય તેવી સબળ નવલકથાઓ ગુજરાતી સાહિત્યને પ્રમાણમાં ઓછી સાંપડી છે. ‘કૂવો’ નવલકથા એવા સમયમાં એક સીમાસ્તંભ બની રહે છે. ને એ જ રીતે સૌથી વરવી સ્થિતિ ભારતના ખેડૂતોની છે. ગોદાનનો પ્રભાવ ગુજરાતી સર્જકોએ ઝીલ્યો નથી. આવી પરિસ્થિતિ વચાળે નારી વિમર્શની સાથોસાથ કિસાન વિમર્શનું નિદર્શન પૂરું પાડતી નવલકથા ‘કૂવો’ નું ગુજરાતી સાહિત્યમાં પ્રગટું આશ્વાસિત છે.”૧ ‘કૂવો’ નવલકથાએ નારીવાદી નવલકથા નથી પરંતુ નારી કેન્દ્રી નવલકથા છે. જેમાં સદ્દ અને અસદ્દ તત્વોનો સંઘર્ષ સ્થૂળ અને સૂક્ષ્મ એમ બંને રીતે જોવા મળે છે અને નવલકથાને અંતે નાયિકા દરિયાનો વિજય એટલે કે સદ્તત્વનો વિજય છે જેમાં લેખક અશોકપુરીનો કાવ્યન્યાય જોવા મળે છે. તો આવી સબળ અને પ્રબળ કૃતિ ‘કૂવો’ ની પરિએષણાએથી તપાસ કરીએ. ૫૦ પ્રકરણ અને ૨૮૦ પૃષ્ઠોમાં વિસ્તરેલી ‘કૂવો’ નવલકથા વસ્તુ અને વસ્તુ સંકલનાની દ્રષ્ટિએ સબળ કૃતિ છે. ખેતરનો ખોળો ખુંદતા ખેડૂત વર્ગ અને તેની સાથે થતાં અન્યાય, શોષણ અને અત્યાચાર તથા તેની સામે અવાજ ઉઠાવતી ખેડૂત પત્ની દરિયાની આ કથા છે. “આમ, તો આ નવલકથાને કોસ, મશીન અને કૂવોના ત્રણ ખંડોમાં વહેંચી શકાય. વંશવેલાથી મુખી અને ડુંગરના પરિવાર વચ્ચે-ભાગિયો કૂવો હોય છે. કૂવો ડુંગરના ખેતરમાં છે અને મહિનાના વીસ દિવસ ડુંગરના ખેતરમાં અને દસ દિવસ મુખીના ખેતરમાં કોસનું પાણી વહેંચવાનું લખાણ છે.’૨ પરંતુ મુખી કોશ આપવા બાબતે આડોડાઈ કરે છે. પોતાની સત્તાનો જોરે મનફાવે તેટલા દિવસ કૂવે પોતાનો કોસ જોડે, અધવચ્ચે ડુંગરને પોતાના ખેતર પર કામ કરવા બોલાવે, એટલું જ નહીં પણ કૂવાના થાળાનું સમારકામ કરવાનો ખર્ચ પણ ડુંગરને જ ભોગવવો પડે છે. સર્જકે નવલકથાની શરૂઆતમાં આ અન્યાયી પરિસ્થિતિ મૂકી આપી છે ને આ કરોળિયા જેવી પરિસ્થિતિમાંથી પ્રસંગોના તાર કાઢીને સર્જકે નવલકથાનું ઝાળું ગૂંચ્યું છે. અહીં આ પરિસ્થિતિનો ડુંગરે તો સ્વીકારી લીધેલી છે પરંતુ દરિયા તો નોખી માટીમાંથી ઘડાયેલી નારી છે. તે અન્યાયની સામે વાવાઝોડાની જેમ ફૂંકાય છે. એની વાણી અને વર્તનમાં અન્યાયનો પ્રતિકાર અભિવ્યક્ત થાય છે. ડુંગર અન્યાયી – નાગોડ મુખીની સામે રુએ રુએ ઠરી ગયેલો માનવી પરંતુ દરિયા વિવિધ પ્રકારના વાફપ્રહારોથી પાનો ચઢાવે છે. જેમ કે “તમને કંઈ ભૌનબોન સે કે નહીં ? “ચ્ચોં હુધી આમ બ’હી રેશો?… મફાના બાપુ તમ ઢીલાપોચા તો ખરા, નેતર મગદૂર છે એમની કે આપડા ખેતરમાં કૂવો અને આપડા જ ખેતરાં તરસ્યા રે ! ” (પૃ.૨૩) આથી ડુંગર શાહમૃગના જેવી નીતિ છોડીને અન્યાય સામે બાજ બની જાય છે. પોતાના સંગી ભીખાની મદદથી અને નિજની હિંમતથી મુખીની પરવા કર્યા વિના પાણી વાળે છે. અહીં સુધી આવેલા કથા પ્રવાહમાં રોચકતા લાવવા માટે વેગ લાવવા માટે સર્જક ડુંગર અને મુખીની તકરારના પ્રસંગનું નિરૂપણ કરે છે. જેમાં કહ્યાંગરો ડુંગર વિરોધનો વંટોળ બનતો જોઇ ખૂધિયો મુખી રૂએ રૂએ દાજે છે અને એલફેલ બોલે છે. ત્યારે ડુંગર જીવનમાં પ્રથવવાર મુખીને કૂવામાં લબડાવીને પોતાના પાણીનો પરચો બતાવે છે. અહીં થી નવલકથાનો કથાપ્રવાહ વેગ પકડે છે. પછી તો ડુંગર પોતાના માર્ગે આડે આવતા હર રોડાને હટાવવાની મક્કમ નિર્ધાર કરે છે. ધોળા દિવસે ડુંગરના ખેતરમાંથી ઘાસચારાની ચોકી કરતાં વસ્તાના દીકરાને પકડીને ડુંગર આકરામાં આકરી સજા મળવાની છે તેના બીજ સર્જકે આ પ્રસંગમાં જ રોપી દીધાં છે. બીજી તરફ મુખી, સાપ મરે પણ લાઠી ન તુટે તેવી નીતિ અપનાવીને મુખી પોતાને થયેલા અપમાનનો બદલો લેવા વસ્તા સહિત નાગોડ ટોળકીને કાળી રાતે મોકલે છે. અહીં વસ્તો અને તેના માણસો ડૂંગર, દરિયા અને મફા પર અમાનુપી અત્યાચાર ગુજારે છે. આથી ડુંગર માનસિક સંતુલન ગુમાવી બેસે છે. આ પ્રસંગમાં સર્જકની વર્ણનકલા પરાકાષ્ઠાએ પહોંચી છે. પતિને પાણી ચઢાવી આફત વહોરતી દરિયા પોતાના ઘર કુટુંબ અને ખેતીની બાજી સંભાળે છે, દરિયા ધીરજ અને કૂતેહપૂર્વક કામ લે છે. મુખીની ચંડાળ ટોળકી સામે મેદાને પડે છે. અને કંકાસિયા કૂવાનો હિંમત પૂર્વક અંત આણે છે. દરિયાના આ મહાયજ્ઞમાં તેના કાકાજી સસરા દાજી, મંદિરના પૂજારી અને પતિ ડુંગરનો મિત્ર ભીખો તથા તેની પત્ની કાશીનો સાથ એને જરૂર મળે છે. પરંતુ દરિયાની કુનેહ, એની હિંમત, એની વ્યવહારસૂઝ તથા દૂરદેશી ધીરજ-આ બધું એક ગ્રામીણ સ્ત્રી જે રીતે દાખવે છે એ આ નવલકથાનું મુખ્ય આકર્ષણ છે. આ વિશાળ કથા અનેક પ્રસંગોનું સમાયોજન સર્જકે કર્યું છે જેમાં –
મુખી અને મૌચી વચ્ચેની તકરારનો પ્રસંગ
મુખી દ્વારા દરિયાના નવા ખોદાતા કુવામાં મૃત ગધેડું નખાવાનો પ્રસંગ
વસ્તાનું મૃત્યું અને શેઠને પડતા લકવાનો પ્રસંગ.
મુખીનો કૂવામાં પડવાનો પ્રસંગ ભગત દ્વારા પરોક્ષ રીતે દરિયાને અપાતા ચરુનો પ્રસંગ
આ સઘળા પ્રસંગ કથા પ્રવાહને રસપ્રદ બનાવે છે. સર્જકે જરૂરત કથામાં ચિંતન અને પાત્રોની માનસિક સ્થિતિને ઉપસાવવા માટે કથાપ્રવાહને જરૂરત મુજલ ધીમો પણ પડયો છે જેમકે પૃ.૭૮ થી ૮૪ સુધી પાત્રોની પરિસ્થિતિગત મુંજવણને દર્શાવવા માટે કથા પ્રવાહને ધીમો પાડયો છે. તો એ જ રીતે પૃ.૧૨૬ થી પૃ.૧૪૯ સુધી કોઈ નોંધનીય ઘટનાને સર્જકે અવકાશ આપ્યો નથી કારણ કે એ પરિસ્થિતિમાં દરિયા તેમજ અન્ય પાત્રોની પરિસ્થિતિમાં દરિયા તેમજ અન્ય પાત્રોની પરિસ્થિતિજન્ય ચિંતનને સર્જક ખાસ અવકાશ આપવા માંગે છે તો દરિયાના નવો કૂવો ખોદવાની શરૂઆતથી ઘટનાઓ ઉપરા ઉપરી આવે છે અને કથાનો વેગ ઝડપી બને છે.
પાત્રાલેખનની દૃષ્ટિએ સર્જક અહીં ઘણા સભાન જણાય છે. નવલકથાના તમામ પાત્રો માનવ સહજ ક્રિયાઓ કરતાં જણાય છે. પરિસ્થિતિને વશ ન થતાં તેનો સામનો કરે છે. પરંતુ તેમાં પણ સર્જકે કોઇ પાત્રને દૈવત્વ અર્પવાનો વ્યર્થ પ્રયત્ન નથી કર્યો, તમામ પાત્રોને આપમેળે વિકસવાનો અવકાશ પૂરો પાડયો છે. મૂળે આ નવલકથા નાયિકાકેન્દ્રી છે, દરિયા તેની નાયિકા છે અને તેના સંઘર્ષની આસપાસ નવલકથા ઘટનાઓના તાણાવાણા ગૂંથાયા છે. “અગાઉ મળેલી ગુજરાતી ગ્રામીણ નાયિકા રાજી કે ચંદાથી (‘માનવીની ભવાઈ’) (‘જનમટીપ’) એ ભિન્ન છે. રાજુને કાળુની તો ચંદાને ભીમાની ઓથ છે જ્યારે દરિયાને એકલ પંડે લડવાનું આવ્યું છે. ભીખો કે દાજી છે પણ એમનેય દોરનારી દરિયા છે ’૩ તે ખૂપિંયા મુખીનો અત્યાચાર સહન કરવામાં માનતી નથી પણ તેની સામે વિદ્રોહનો બ્યૂગલ ફૂંકે છે. આગવી કોઠાસૂઝ, જીવનમાં ભણતર નહીં પરંતુ ગણતર, પતિ પ્રત્યેનો પ્રેમ સાહસ અને સંઘર્ષ કરતી નાયિકા એટલે દરિયા. પરંપરિત ખેડૂતની જેમ શોષિતોની સામે હાર માનીને બેઠેલો, પત્ની દરિયાના મહેણાંથી તતડી ઉઠતો, મૂખી અને તેની નાગોડ ટોળીથી ત્રાસ સહન કરતો અને માનસિક સંતુલન ગુમાવી બેસતો તથા શેઠ અને મૂખીના મૃત્યુનું કારણ બનતો ડુંગર આ કથાનો નાયક છે. બીજું અન્ય પાત્ર ભીખો-એક ધીંગુ પાત્ર છે. સતત ડુંગરની પડખે ઉભો રહેતો અને પડછાયાની જેમ એનું રક્ષણ કરતો ભીખો નવલકથાનું આકર્ષક પાત્ર છે. નવલકથાનું અલગારી વ્યક્તિત્વ ધરાવતું પાત્ર એટલે દાઝીનું પાત્ર સ્વામિનારાયણ સંપ્રદાયના સંત કક્ષાનું આ પાત્ર બન્યું છે. હંમેશા ભીખા અને ડુંગરને નીતિના પાઠ ભણાવતા દાજી પણ નવલકથાનું મહત્વનું પાત્ર છે. આ સિવાય મુખી શેઠ અને વસ્તો નવલકથાના પ્રતિનાયક પાત્રો છે. નિરૂપણ રીતિ અને ભાષાશૈલીલી બાબતે સર્જક સમૃદ્ધ અને સભાન છે. ચરોતરનો પરિવેશ હોવાને કારણે ચરોતરની બોલીનો સુંદર વિનિયોગ થયો છે. તો રૂપકો,કહેવતો,લોકોક્તિઓ, ઉપમાઓ વગેરેથી યુક્ત ગદ્ય આગવી છટા ધારણ કરે છે. નવલકથાનું ગ્રામીણ સમાજ દર્શન જોવા મળે છે. જેમાં ચરોતરનો પ્રદેશ પરંપરિત નવલકથાની જેમ જ અહીં પણ રીતિ રિવાજ, માન્યતાઓ, અંધશ્રદ્ધા, દુરિત તત્વો વગેરેનું નિર્દેશ કરવામાં સર્જક સફળ રહ્યા છે. સમાજમાં કન્યાની અછત, મંદીખેતી, બારૈયા કોમ ને સાંકળીને પંચમહાલ જિલ્લાની પણ વાત નહીં મૂકી આપી છે. સ્વામિનારાયણ સંપ્રદાયની અસર પણ અહીં મૂકી આપી છે. આમ કૂવો નવલકથા ગુજરાતી ભાષા સાહિત્યની સીમાસ્તંભરૂપ નવલકથા છે. ખેડૂતના જીવનસંઘર્ષની અનેક ગાથાઓમાં આગવી ભાત પાડતી અને તળનું વાસ્તવ પ્રગટ કરતી ગુજરાતી નવલકથાઓમાં પ્રથમ હરોળમાં મૂકી શકાય તેવી સમૃદ્ધ કૃતિ છે.
સંદર્ભ સૂચિ
૧. મહેતા ભરત : ‘કૂવો’ મેઘાણી પરંપરાનું સાતત્ય, વિ-વિદ્યાનગર ફેબ્રુઆરી ૨૦૦૮, અંક ૨, પૃ. ૧૨
૨. એજન.
ડૉ. અભિષેકકુમાર બી. દરજી, આસિ. પ્રોફેસર, ગુજરાત આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ, અમદાવાદ