કાવ્ય: ૩ ડગર બડી કમજાત સજનવા- ધર્મરાજસિંહ ગોહિલ

ડગર બડી કમજાત સજનવા

નાજુક નમણી જાત સજનવા

તરડ તરડ ઉઝરડા પાડે, કોમળ કાળી રાત સજનવા.

ચાંદાને ચોળી ચગળી ને ચાખ્યાના સપનાં સળગાવ્યાં,

ચપટી ભર તારલિયા ચૂંટી ઝાકળ સાથે ઝીણા વાટ્યા,

ગભરુ આ છાતલડી માથે કરેણ ભીની ઘાત સજનવા… ડગર બડી કમજાત સજનવા.

ઉમળકાની અજરખ નીચે હાય ઢબુરી રાખ્યાં ફડકા,

કમખાની પોલાણ ગુફામાં માછલીયું ઉપણે છે તડકા..

પાંપણની એક ફાંસ સળકતી પિર ન પૂછો વાત સજનવા

ડગર બડી કમજાત સજનવા