કાવ્ય: ૧ `તુંબડું’ : પારુલ ખખ્ખર

ડૂબતાંને દીધો આધાર, કે… તુંબડે તાર્યા તણખલાં,

મૂછમાં મલકે કિરતાર, કે… તુંબડે તાર્યા તણખલાં.

તુંબડું તો મોજમાં હાલે ને ડોલે

તળનો, સપાટીનો ભેદ નવ ખોલે

પાણીને દેતું પડકાર, કે… તુંબડે તાર્યા તણખલાં

મૂછમાં મલકે કિરતાર, કે… તુંબડે તાર્યા તણખલાં.

તુંબડું નાનું ને માનપાન મોટા

તુંબડે ટીંગાણા સાચા ને ખોટા

સમભાવે કરતું ઉદ્ધાર, કે… તુંબડે તાર્યા તણખલાં

મૂછમાં મલકે કિરતાર, કે… તુંબડે તાર્યા તણખલાં.

જાદુઈ તુંબડું દુબળાને તારતું

મરવા પડેલાને પળમાં ઉગારતું

રાહ જોઈ બેઠી વણઝાર, કે… તુંબડે તાર્યા તણખલાં

મૂછમાં મલકે કિરતાર, કે… તુંબડે તાર્યા તણખલાં.

-પારુલ ખખ્ખર