– આકાશ રાઠોડ
સાંભળું તારો સૂર,
સાંવરિયા, એટલો રહેજે દૂર !
ગોપી ને ગોપની વચ્ચે સજોડલે
ભલે તું રાસ ના ખેલે.
વનને વિજન તું મારે અંબોડલે
ભલે કદંબ ના મેલે ;
તારી તે મોરલીને સૂર,
સાંવરિયા, મેં તો મેલ્યું છે મારું ઉર !
સૂરની સંગાથ મારા સમણાનો સાર
ને સઘળો સંસાર મેં તો બાંધ્યો.
એમાં તો મુજને આ જગથીયે પાર
રે એવો કો સૂરલોક લાધ્યો ;
હવે જાશે મથુરાપુર ?
સાંવરિયા, થાશે તું કંસથીયે ક્રૂર ?
– નિરંજન ભગત
આપણાં સાહિત્યમાં ભાગ્યે જ કોઈ કવિ હશે જેણે આ વિષય નહિ છંછેડ્યો હોય. વિષય કહેવા કરતા હું એમ કહીશ કે આ પાત્રોના પ્રત્યે પોતાના પ્રણય-ભક્તિભાવ શબ્દોમાં નહિ ઠાલવ્યા હોય. મધ્યકાળ ભક્તિ પરંપરામાં નરસિંહ, મીરાં, દયારામ, સૌએ એ સમય પ્રમાણે તેને આધીન રહી પદ-કાવ્યો રચતા રહ્યાં છે. હું વાત અહીં ગુજરાતી સાહિત્યની કરું છું. એ પહેલાં પણ હઝારો વર્ષોથી ભારતખંડના ચિરંજીવી પ્રેમના પ્રતીક બની ગયેલા કૃષ્ણ-રાધાના ભાવ-ભક્તિ ગવાતા આવ્યા છે. દરેક સમયમાં આ પાત્રો લોકોના હૈયે તથા એમની કલામાં અવિરતપણે વિહાર કરી રહેલા જોવા મળે છે. ઇ. સ.ની બારમી સદીમાં કવિશ્રી જયદેવકૃત “ગીતગોવિંદ” પ્રબંધ, ભગવાન કૃષ્ણના ભક્તિભાવે કરેલ તેમની પ્રણયલીલાના રસ-સાગરમાંથી આજે પણ કવિઓ અંજલિ માથે ધરી અને તેઓ આ વિશે લખવા પ્રેરાય છે.
પડકાર એ છે, કે જેના વિશે આટલું બધું લખાયું છે, તેના વિશે હવે નવું શું લખવું – શું લખી શકાય ? આ મહાન પાત્રો દરેક સમયના કવિઓની કલમે જુદા જુદા કેન્દ્રબિંદુથી તેમનો રસ-ભાવ-પ્રીતિ સજીવન થતી રહી છે. ભક્તિભાવે, ગોપ-ગોપીભાવે, બંધુભાવે, આ પ્રેમલક્ષણા ભક્તિ, ભક્તિલક્ષણા પ્રેમના અઢળક પદો અને કવિતાઓમાં આવી ચૂક્યા છે. શું એવું બાકી રહી ગયું, જે અન્ય કોઈ નથી કહી શક્યું એ વિચાર દરેક કવિને આવશે જ્યારે એ કલમ ઉઠાવશે. ત્યારે કવિશ્રી છેડે છે આ સૂરને અલગ રીતે. રાધાના ભાવોને કેન્દ્રસ્થ રાખી ઓથે સમગ્ર મનુષ્યજાતના હૈયે વસેલ પેલા સાંવરિયાની (કૃષ્ણની) વાત. વાત સાથે ફરિયાદ છે. ફરિયાદ સાથે વિનવણી છે અને એ વિનવણીમાં અપાર કૃષ્ણપ્રીતિ.
“સાંભળું તારો સૂર,
સાંવરિયા, એટલો રહેજે દૂર !”
સૂર-અવાજ. સૂર -વાંસળીના સૂર. સૂર-એકમાત્ર અ-મૃત એવી સંગીતકલાનું સુક્ષ્મ ઉપાદાન. સૂર-એક અમૂર્ત સ્વરૂપ, સૂર- માત્ર પામી શકવાની વાત. આમ, સૂરના ઘણાં બધાં અર્થો આપડે કરી શકીએ. રાધાનાં મુખે મૂકેલું ગીતનું આ પ્રથમ મુખડું આખાયે ગીતની અને પોતાની તેની પ્રીતની અભિવ્યક્તિ માટે પીઠિકા બને છે. કૃષ્ણ પ્રત્યક્ષ નહિ પણ તેના સૂર, તેનો અવાજ, તેની વાંસળીના સૂર. એક અલૌકિક સુક્ષ્મ અમૂર્ત એવો સૂર; અહીં એ જ અલૌકિક, સુક્ષ્મ, અમૂર્ત કે જેને ખાલી મહેસૂસ કરી શકાય – એવાં કૃષ્પપ્રેમનું રૂપક બને છે. શ્રી કૃષ્ણના પ્રતીક જો વાંસળી ને મોરપીંછ. તો એની પ્રત્યેના અદૃશ્ય એવા અલૌકિક પ્રેમના પ્રતિક એ વાંસળીના “સૂર”રઅને મોરપીંછના એ ઇન્દ્રધનુષી રંગો. આ પ્રેમ આ સૂરોનું આકર્ષણ કેવું છે એ નરસિંહ અને મીરાં એ લખેલા પદોમાં જ્યાં જ્યાં વાંસળી આવે ત્યાં ત્યાં નજર કરીએ ત્યારે જ ખબર પડે. એક વાંસળીના સૂરથી; વ્રજનારીઓ રોતાં બાળ અને બધું કામ છોડી, ભાન-સાન ભૂલી કુંજગલી ભણી દોડી જતી. આ સૂરો સાથે કૃષ્ણની પ્રિયતમા રાધાને કેવો ઘનિષ્ઠ સંબંધ હશે ? બસ એની જ ઊર્મિ કથતી આ ગીતરચના.
કહે છે, કે ‘તું દૂર જા, પણ એટલો બધો નહિ, કે આ સૂર સંભળાતા બંધ થઈ જાય.’ જો આપણે ઉપરછલ્લો અર્થ કરીએ તો કવિતા પમાશે નહિ. બે અર્થો અહીં બીજા પણ નીકળે :
૧) તારો સૂર સંભળાય એટલો જ દૂર જજે, વધુ નહીં.
૨) તારો સૂર સંભળાય એટલો દૂર રેજે, વધુ નજીક ન આવી જતો. (અપવાદ)
અહીં આ ‘સૂર’ એટલે આપડે કૃષ્ણ પ્રત્યેના પ્રેમનો સુક્ષ્મ ભાવ જ સમજીએ. જે હૃદયમાં છે. જે અ-મૃત છે. ને જે અમૃત પણ છે. જેનાથી જીવતર કૃષ્ણમય બની ગયું છે. એ પ્રીતિ ધબકાર બની ગઈ છે. તે દૂર ન થાય એ માટે સાંવરિયા સમક્ષ વિડંબના કથતી રાધાની ઊર્મિઓ અતિસુક્ષ્મ રીતે આલેખાઈ છે.આ રાધા જ છે, અન્ય કોઈ ગોપી નથી એમ કંઈ રીતે કહી શકાય? તો જવાબ છે આ આગળનો અંતરો ;
ગોપી ને ગોપની વચ્ચે સજોડલે
ભલે તું રાસ ના ખેલે.
વનને વિજન તું મારે અંબોડલે
ભલે કદંબ ના મેલે ;
ગોપી ને ગોપ અહીં પહેલી પંક્તિમાં આવી ગયા. બાકી રહે છે રાધા. જે અદૃશ્ય થઈ અંતરાની બીજી પંક્તિમાં “મારે અંબોડલે” કહેતી દેખાય છે. પહેલી પંક્તિમાં ગોપ ગોપીઓ સાથે રાસ રમી રહેલ કૃષ્ણ-રાધા. બીજી પંક્તિમાં એકાંત વનમાં એકલ દૃશ્યમાં દેખાઈ રહેલા કૃષ્ણ-રાધા. આ બધું કશું જ જોઈતું જ નથી એમ નહીં. પણ દૂર જઈ રહેલા એ સાંવરિયા ને ફરિયાદ આ બધું નહિ હોવા છતાં કશો જ ફેર પડતો નથી. ભલે શબ્દ આવે ત્યાં ભાવ વળાંક લે છે. વિવશ ભાવના પમાય છે. ભલે રાસના ખેલે ને અંબોડલે ભલે કદંબ ના મેલે. હવે ફરી પેલો સૂર(કૃષ્ણપ્રેમ) આગળના મુખડામાં અદૃશ્ય “પણ” શબ્દથી જોડાય છે.
(પણ)તારી તે મોરલીને સૂર,
સાંવરિયા, મેં તો મેલ્યું છે મારું ઉર !
કેવી સિફતથી કવિએ ઘૂટેલા ભાવને વધુ ઘટ્ટ બનાવી દીધો. સૂર ને સાથે ઉર – પ્રાસમાં પણ સારું લાગે છે અને ભાવાર્થમાં પણ. સૂર અને ઉર આ બન્ને એક થઈ ગયા છે. સૂર એ જ શ્વાસ એ જ ધબકાર. તો એ જ નહિ હોય તો… ભાવોની આ અતિશિયોકિત સ્થૂળ લાગવાનો કોઈ પણ મોકો મળતો નથી. કવિતાની શક્તિ અહીં પરખાય છે. વળી એ સૂર વધુ ને વધુ ઘટ્ટ બની વધુ ફેલાય છે. બીજો અંતરો આખોયે સૂરલોક લઈને આવે છે. એ સૂરલોક
સૂરની સંગાથ મારા સમણાનો સાર
ને સઘળો સંસાર મેં તો બાંધ્યો.
એમાં તો મુજને આ જગથીયે પાર
રે એવો કો સૂરલોક લાધ્યો ;
આ લોકથી ભિન્ન છે. લૌકિકતાથી પર અલૌકિક એવો કૃષ્ણમય લોક એ રાધાનો સૂરલોક. આ પ્રાપ્ત થયો છે રાધાને પેલા પ્રેમ નામના તત્વને કારણે. આ અનુભૂતિની ચરમસીમા છે. કવિ ભાવને વધારે ને વધારે ઉચ્ચ તબ્બકે લઈ જાય છે. પરાકાષ્ઠા આવે છે. વાણીની, ઊર્મીની હવે એ બન્ને ઉષ્મા પામે છે અને સીધો આક્ષેપ કરે છે.
હવે જાશે મથુરાપુર ?
સાંવરિયા, થાશે તું કંસથીયે ક્રૂર ?
જાશે મથુરાપુર તો થાશે તું કંસથીયે ક્રૂર. ક્રૂરતાનો આ આક્ષેપ એ પણ પ્રશ્નભાવે. આ ટોચ છે. પેલા છેડાયેલા સૂર દૂર જતા થતી વેદનાની, તેને દૂર નહીં જવા દેવાની. અને એક હીબકાં સાથે જાણે આ કવિતા પૂરી થાય છે. પણ ભાવકનાં ચિત્તમાં ફરી ફરી આ શબ્દો ગુંજતા રહે છે. સાંભળું તારો સૂર…. સાંભળું તારો સૂર….. આ કવિતા તો પમાય ત્યારે જ જ્યારે ખુદ રાધાના હૈયાને આત્મસાત કરો. “સાંવરિયો” અને “સૂર”એ બન્ને કવિતાના અચળ ભાવકેન્દ્ર બની રહે છે.
વિષય, લય, ભાવ આ બધું જ એકબીજામાં ઓતપ્રોત થઈ ઓગળી જાય છે. કાનને પણ ગમે અને ચિત્તને પણ સ્પર્શે. ક્વચિત લયમાં તો ક્વચિત ભાવમાં લીન કરે. કવિશ્રી નિરંજન સાહેબની સૌન્દર્ય સરિતાની રાહમાં આવતા એ ઝરણાનો મીઠો મધુર સૂર એ જ આ કવિતા : “એટલો રહેજે દૂર”
આકાશ રાઠોડ.
પશુ દવાખાના પાછળ,
હરીઓમ કન્યા શાળા પાસે,
વલભીપુર – ૩૬૪૩૧૦
તા. વલભીપુર, જિ. ભાવનગર.
મો. 9558526006
ઇમેઇલ :- rathodakash4040@gmail.com