- ડૉ. મનોજ માહ્યાવંશી
જર્મન લેખક ફ્રાંસ કાફકા(૦૩/૦૭/૧૮૮૩-૦૩/૦૬/૧૯૨૪) ધ ટ્રાયલ, ધ કાસલ અને ધ મેટામોર્ફોસિસ જેવી કૃતિને લીધે જગ આખામાં પ્રસિદ્ધ છે. જર્મન ભાષાના અને વિશ્વસાહિત્યમાં નોંધપાત્ર આ સર્જકનો જન્મ પ્રાગ, બોહેમિયાની રાજધાનીમાં થયો હતો. પોતે વકીલાતનું ભણીને વીમા કંપનીમાં કામ કરેલું પણ પોતાના એ કામથી તેમને સંતોષ નહતો એવું તેમના પત્રોમાંથી સ્પષ્ટ થાય છે. નોકરી સિવાયના સમયમાં કાફકાએ સાહિત્યસર્જનને મહત્વનો સમય આપ્યો છે. પોતાની જાત સાથે જ સંઘર્ષ અનુભવતા આ લેખકે પોતાનું મોટાભાગનું લેખન સળગાવી દીધું હતું. પોતાના મિત્ર મેક્સ બ્રોડ પાસે જે વચન લેવડાવ્યું હતું તે જુઓ- “Dearest Max, my last request: Everything I leave behind me … in the way of diaries, manuscripts, letters (my own and others’), sketches, and so on, [is] to be burned unread.” પણ બ્રોડ કાફકાની વાત માનતા નથી અને ધ ટ્રાયલ, ધ કાસલ જેવી કૃતિઓ પ્રગટ કરે છે અને કાફકાનો પ્રભાવ વિશ્વમાં પડ્યો. પોતાના સર્જનમાં માનવ અસ્તિત્વના જે પ્રશ્નો કાફકા ચર્ચે છે એ પ્રશ્નોમાંથી તેઓ પોતે પસાર થયાં હતા. બાળપણથી લઈને મોટા થયાં ત્યાં સુધી તેમને મળેલું કૌટુંબિક વાતાવરણ વગેરેએ કાફ્કાના ઘડતરમાં અસરકારક ભૂમિકા ભજવી હતી. પોતાની જાત સાથે સતત સંઘર્ષ અનુભવતા કાફકાની કૃતિઓ મનુષ્યના ભીતરી સંચલનો ઉપર વધુ નિર્ભર છે તેનું એક મજબૂત કારણ એ પણ છે. કાફકાએ શરૂઆતમાં કેમેસ્ટ્રી-રસાયણશાસ્ત્રનો અભ્યાસ શરુ કરેલો પણ તુરંત એ છોડીને પછી કાયદાના અભ્યાસમાં જોડાઈ ગયેલા. આ અભ્યાસ દરમિયાન કેટલીક સાહિત્યિક પ્રવૃત્તિ કરી અને એ સમયગાળા દરમિયાન જ મેક્સ બોર્ડનો પરિચય થયેલો જેની સાથેની મિત્રતા જીવનભર રહેલી. કાફકા દોસ્તોયવ્સકી, ગુસ્તાઉ ફ્લોબરટ, નિકોલાઈ ગોગોલ જેવા સર્જકોથી પ્રભાવિત હતા. પોતાના અંગત જીવનમાં એકથી વધારે સગાઇ કરી પણ લગ્ન એકવાર પણ થયા નહીં. પોતે જે વ્યવસાયમાં હતા તે વીમા કંપનીમાં પણ તેમને માનસિક સંઘર્ષનો જ અનુભવ થતો કારણ કે ઉદ્યોગોમાં કામ કરતા મજુરો સાથે થતી દુર્ઘટનાઓના આંકડા અને એમાં મજુરોને મળતું વળતર વગેરેના રીપોર્ટ બનાવવાને કારણે તે દુર્ઘટનાઓના આંકડામાંથી જ તેમને પસાર થવાનું બનતું. મજુરો નિમ્ન જીવનસ્તર અને કંપનીઓમાં સુરક્ષાને લઈને સેવતી ઉદાસીનતા વગેરે જોવા મળતું. ખાસ કરીને કાફકાને સમજવામાં તેમના પત્રો મહત્વપૂર્ણ બની રહે છે. મોટાભાગના પત્રો જર્મન ભાષામાં લખાયેલા છે. તેમના પત્રોમાંથી જ જાણવા મળે છે કે કાફકા જર્મન કવિ, નાટ્યકાર, વાર્તાકાર,નવલકથાકાર વોન ક્લેઈસ્ટથી ઘણાં પ્રભાવિત હતા અને તેમને કુટુંબ કરતા પણ વધારે મહત્વના માનતા હતા. કાફકા અચ્છા ચિત્રકાર પણ હતા. કાફકાની નોંધપાત્ર કૃતિઓ નોંધીએ તો ૧૯૧૨માં Das Urteil-The judgment-the verdict,૧૯૧૪માં inder starfkolonie-in the penal colony- ૧૯૧૫માં die-verwandlung, the metamorphoses. મેક્સ બ્રોડ Der Verschollene-Amerika, Das Schloss-the Castle, Der Process-the Trial જેવી કૃતિઓ પ્રગટ કરે છે. in the penal colony વાર્તામાં યાતનાનું વિસ્તૃત વર્ણન અને આદેશના અમલ કરવાની રીતનું વર્ણન છે. આ અંગ્રેજી અનુવાદના આધારે નિમેશ પટેલે ‘સજા ફરમાવતી વસાહતમાં’ નામે ગુજરાતી અનુવાદ કર્યો છે અને એ ‘તથાપિ’ સામયિકના સપ્ટેમ્બર-નવેમ્બર ૨૦૦૭ના અંકમાં પ્રગટ થયેલ છે. મુખ્યત્વે ત્રણ પાત્રો પ્રવાસી-સંશોધક, સૈનિક-ઓફિસર, દોષિત ઠરાયેલ માણસ-કેદી દ્વારા માણસ અને યંત્ર man and machinery અંગેનું અર્થસભર ગહન ચિંતન રજૂ થયું છે. અહીં તેમની ‘ધ મેટામોર્ફોસિસ’ કૃતિ વિશે વાત કરવાનું અભિપ્રેત છે. તેમની આ કૃતિનું અર્થઘટન અઘરું છે. વળી કેટલાકે તો અર્થઘટન અશક્ય છે એમ પણ કીધું છે.
૧૯૧૨માં લખાયેલી અને ૧૯૧૫માં પ્રગટ થયેલી આ કૃતિ રૂપાંતરની ઘટનાને કેન્દ્રમાં રાખીને લખાયેલી છે. આ વાર્તા અથવા લઘુનવલના ત્રણ ભાગ છે. કથાવસ્તુ કંઈક એવી છે કે ટ્રાવેલિંગ સેલ્સમેન ગ્રેગર સામસા સ્વપ્નમાંથી જાગે અને પોતે એક રાતમાં જ મનુષ્યમાંથી કોઈ જીવડામાં રૂપાંતરિત થઈ ગયેલી પોતાની જાતને અનુભવે છે. શરૂઆતનું વાક્ય જુઓ- “As Gregor Samsa awoke one morning from uneasy dreams he found himself transformed in his bed into a monstrous vermin.” રૂપાંતરિત થઈ જવાની આ આશ્ચર્યકારક ઘટના જ આ કૃતિનું કેન્દ્રબિંદુ છે. સામસા પોતે કંઈ સમજી શકતો નથી કે તેની સાથે શું થઈ રહ્યું છે. વળી, પોતાની આ સ્થિતિ એ કોઈ સ્વપ્ન નહીં પણ હકીકત છે અને પોતે ખરેખર કોઈ જંતુના રૂપમાં ફેરવાઈ ગયો છે એ વાતનો અહેસાસ સામસાને વ્યાકુળ બનાવે છે. નોકરી પર જવામાં મોડું થઈ રહ્યું હોવા અંગે તે ચિંતિત છે અને એ જ સમયે તેનું અસ્તિત્વ જ કોઈ બીજી દિશામાં ફંટાઈ રહ્યું છે ત્યારે તે કશું જ કરી શકતો નથી. પિતા ડોક્ટરને બોલાવે છે પણ ડોક્ટર કશું સમજી શકતો નથી. તેની ઓફિસનો મુખ્ય કારકુન પણ આવે છે પણ ગ્રેગર સામસાના પરિવર્તિત રૂપને જોઇને તે ગભરાઈ જાય છે. સામસા હવે જંતુના રૂપમાં જ પોતાના રૂમમાં પડ્યો રહે છે અને માણસમાંથી તેના બદલાયેલા જંતુના રૂપને લીધે ઘરના બીજા સદસ્યો તેના માટે રૂમમાં હરવા ફરવાની જે અનુકુળતા કરવાની પળોજણમાં પડે છે તે પણ નોંધનીય છે. મહિનાઓ પસાર થાય છે, માણસ સાથે જંતુનું રહેવું એ સ્થિતિ જ વિકટ છે ત્યારે સામસાના પોતાના જ લોકો તેનાથી કંટાળે છે અને ગુસ્સો કરે છે એવી ઘટનાઓ પણ કૃતિના કરુણને ઉપસાવે છે. તેના પિતા તેના પર ગુસ્સાથી સફરજન મારે અને તેનું શરીર લકવાગ્રસ્ત બની જાય. હવે તેની મા દુકાન ચલાવે અને બહેન પણ સારી નોકરી કરે છે ત્યારે તેઓ આંનદપ્રમોદ કરવાનું વિચારે છે પણ ગ્રેગર સામસાને લીધે તે કરી શકતા નથી. ઘરમાં કામવાળી પણ રાખવામાં આવે અને ત્રણ યુવા ભાડુઆતો પણ રહેવા આવે છે. પણ આ બધી બાબતો વચ્ચે સામસાની સ્થિતિ તો તે જ છે, એટલે એકવાર એની બહેન વાયોલીન વગાડતી હોય ત્યારે દરવાજો ખુલ્લો હોવાને લીધે તે મુખ્ય ઓરડામાં આવી જાય છે. બરાબર તે સમયે એક ભાડુઆત તેને જોઇને ગભરાઈ જાય છે. અને તેઓ ભાડું આપવાની પણ ના પાડી દે છે. આવી ઘટનાઓને લીધે ઘરના સદસ્યો તેનાથી છુટકારો ઈચ્છે છે. ગ્રેગ્રર સામસાને ઘરનાની દુવિધા સમજે છે. અને આખરે સામસા અંતિમ શ્વાસ લે છે. સવારે કામવાળી આવીને તેના મૃતદેહને જોઇને ઘરના લોકોને જણાવે છે. ત્યારબાદ સામસા વિનાના જીવનમાં તેઓ ખુશીથી જીવે અને નવા ઘરની તેમજ સામસાની બહેન ગ્રેટે માટે વરની શોધ પણ ચાલુ કરે છે.
ઉપર જે કથાવસ્તુની વાત કરી છે તે ત્રણ ભાગોમાં વહેંચાયેલું છે. આ કૃતિને કેટલાક લોકો ટૂંકી વાર્તા તરીકે તો કેટલાક લોકો લઘુનવલ તરીકે ઓળખાવે છે. સામાન્ય રીતે ટૂંકી વાર્તા કરતા લાંબી અને નવલકથા કરતા નાની એવી કૃતિ માટે લઘુનવલ એટલે કે novella શબ્દ પ્રયોજાય છે, જે આ કૃતિ માટે બંધબેસતો શબ્દ છે. આ કૃતિમાં કાફ્કાનું પોતાનું વ્યક્તિત્વ અને જીવન પણ પ્રતિબિંબિત થાય છે. જર્મન ભાષા બોલતા પરિવારમાં જન્મેલા આ સર્જક પ્રાગ શહેરમાં રહેતા હતા જ્યાં જર્મન ભાષા બોલાતી નહીં. વળી તેમનો સમયગાળો એ સાહિત્યના ક્ષેત્રમાં આધુનિકયુગનો સમયગાળો છે. પોતાને કરવું પડતું વિમા કંપનીનું કામ પણ તેમને નાપસંદ હતું. પિતા સાથેના તેના સંબંધો પણ ગૂંચવણભરેલા હતા. ૧૯૧૯માં પિતા હર્મન કાફ્કાને લખેલો પત્ર મહત્વનો છે જેનો અંગ્રેજીમાં અનુવાદ થયેલો છે. એમાં તેઓ લખે છે-
“Dearest Father,
You asked me recently why I maintain that I am afraid of you. As usual, I was unable to think of any answer to your question, partly for the very reason that I am afraid of you, and partly because an explanation of the grounds for this fear would mean going into far more details than I could even approximately keep in mind while talking. And if I now try to give you an answer in writing, it will still be very incomplete, because, even in writing, this fear and its consequences hamper me in relation to you and because the magnitude of the subject goes far beyond the scope of my memory and power of reasoning.”
પોતાની યાદશક્તિ કે તર્કશક્તિ પણ પિતાના એ સવાલનો જવાબ આપવામાં અસમર્થ છે જેમાં પિતા પુત્રને પોતાનાથી ડરવાનું કારણ પુછે છે. નાનપણથી જ કાફકા જે રીતે ઉછેર પામ્યા હતા એ વાતાવરણમાં પિતાની એક ચોક્કસ પ્રકારની છબી તેમના મનમાં અંકિત થઈ ગયેલી તે ત્યારબાદ પણ તેવી જ રહી અને કાફ્કાના પાત્રોમાં પણ તે અસર જોઈ શકાય છે. આ કૃતિમાં માણસનું non humanમાં થતું રૂપાંતર પ્રતીકાત્મક રીતે આધુનિકયુગની વિભીષિકા તરફનો દિશાનિર્દેશ છે. ગ્રેગર સામસા કે જે પોતાની જાતને જંતુમાં ફેરવાઈ ગયેલો અનુભવે છે તેના દ્રષ્ટિકોણથી જોતા આ કૃતિમાં અસ્તિત્વવાદના પ્રશ્નો જોઈ શકાય છે. પરિવારની ખરાબ આર્થિક હાલતમાં પરિવારને મદદરૂપ બનવામાં સામસાએ નોકરી કરીને બનતા પ્રયત્ન કર્યા હતા પરંતુ તેનામાં આવેલા અજીબોગરીબ પરિવર્તનને લીધે હવે તેના પોતાના લોકો માટે જ તે બોજારૂપ બની ગયો હોવાનું અનુભવે છે. કાફકા જે રીતે સામસાના પરિવર્તનને દર્શાવે છે તેમાં નાની નાની ક્રિયા કૃતિનું મહત્વનું અંગ બને છે જેમ કે સામસા બેડની અંદર છુપાઈ શકે, દીવાલ પર ચાલી શકે…તેની નાની બહેન ગ્રેટે તેની કાળજી લે છે અને ભાઈના જંતુના સ્વરૂપને સ્વીકારી લેતી હોય તેમ તેને માટે સડેલા ફળ વગેરે આપે છે, માણસને આપવા જેવા તાજા ફળો આપતી નથી એ વર્ણનમાં કરુણરસ છે. જયારે સામસા રૂમમાંથી ફર્નિચર હટાવવામાં આવે છે ત્યારે તેની મા એ બાબતે ચિંતિત છે કે ‘સામસા ઊંઘશે ક્યાં?’ માતા તરીકે પોતાના દીકરાના બદલાયેલા રૂપને પણ તે બધી જ સગવડ આપવા ઈચ્છે છે. પિતા ગુસ્સામાં સામસાને સફરજન મારે અને જયારે સામસા ઈજાગ્રસ્ત થઈ જાય ત્યારથી સામસા પોતાના રૂમમાં જ પડ્યો રહે છે. સામસાનું મનોમંથન જુઓ-
“I cannot make you understand. I cannot make anyone understand what is happening inside me. I cannot even explain it to myself.”
પોતે જે નોકરી કરતો હતો તેમાં પણ તે ખુશ નહોતો. નોકરી સંદર્ભે તે જે માને છે તે જુઓ-
“ He was a tool of the boss, without brains or backbone”
ઉપરીના કહેવા મૂજબ જ કામ કરતો સામસા પોતાની મરજી ચલાવી શકતો નથી કે પોતાના વિચારો મૂજબ વર્તન કરવાની હિંમત પણ દાખવી શકતો નથી. આ કૃતિમાં અમલદારશાહી-નોકરશાહીનો સંદર્ભ સામસાની નોકરીના વાતાવરણમાં જોઈ શકાય છે. તે જયારે કામ પર પહોચતો નથી ત્યારે તેની ઓફિસનો કારકુન તેને ઘરે બોલાવવા આવે અને તેના જંતુ જેવા રૂપને જોઈને ભાગી જાય છે એ વર્ણન પણ મહત્વનું છે. કુટુંબ અને જગતના વાતાવરણ વચ્ચે પોતાની જાતને એકલી પડી ગયેલી જોતો અને ચિંતન કરતો સામસા જગતભરના આધુનિક સાહિત્યમાંના નાયકોમાનો એક મહત્વનો નાયક છે. તે આ બધી મોકાણમાંથી છૂટવા માંગે છે પણ રસ્તો જડતો નથી. જુઓ-
“How about if I sleep a little bit longer and forget all this nonsense”
પણ ઊંઘ અને વિસ્મૃતિ એ કંઈ સરળતાથી મળી શકે એમ નથી. વિચારોના વનમાં સ્મૃતિનો ભાર આધુનિક સાહિત્યના નાયકોની મૂળભૂત લાક્ષણિકતા રહી છે. સામસાને માટે હવે આ nonsense એટલે કે બકવાસ જ બાકીના બચેલા જીવનનું સત્ય છે. સામસા જુએ છે કે મા અને નાની બહેન બંને ઘર ચલાવવા માટે પોતપોતાની રીતે કામ કરવા લાગ્યા છે અને પોતાની હાજરી એલોકોને કેટલીક મુશ્કેલીમાં મૂકી રહી છે. બહેનને વાયોલીન વગાડતી જોવા જયારે એ મુખ્ય ઓરડામાં આવે ત્યાં નવા રહેવા આવેલા ભાડુઆત તેને જોઈને ડરે અને ભાગે એ ઘટના પણ તેને વિચલિત કરે છે. હવે પોતાના પરિવાર માટે કશું કરી શકે તેમ ન હોવાથી અને પરિવાર માટે ભારરૂપ હોવાનું તથ્ય એના પિતાના આક્રમક ગુસ્સાવાળા વલણથી પણ તે પામતો રહે છે. પણ એ બધામાં સામસા બેકસુર છે. એનો કોઈ વાંક નથી. પણ સ્થિતિએ જે મોકાણ ઉભી કરી છે એનાથી એ બચી શકે તેમ નથી. તે ઈરાદાપૂર્વક ખાવાનું ટાળે છે અને તેના જીવનનો અંત આવે છે. જુઓ-
“He thought back on his family with deep emotion and love. His conviction that he would have to disappear was, if possible, even firmer than his sister’s. He remained in this state of empty and peaceful reflection until the tower clock struck three in the morning. He still saw that outside the window everything was beginning to grow light. Then, without his consent, his head sank down to the floor, and from his nostrils streamed his last weak breath.”
બીજા દિવસે કામવાળી તેને મૃત અવસ્થામાં જુએ છે અને ઘરના સભ્યોને જાણ કરે છે. સામસાનું મૃત્યુ કુદરતી મૃત્યુ હતું કે પછી ઈચ્છામૃત્યુ એ પણ આ કૃતિનો એક નોંધનીય ચર્ચિત મુદ્દો છે. સામસા બાદના તેના પરિવારનું જીવન ખુશીઓથી ભરેલું દર્શાવાયું છે. તેઓ ફરવા જાય છે. સામસાની બહેન ગ્રેટે હવે મોટી થઈ હોવાથી તેના લગ્ન માટે મુરતિયો શોધવાની કામગીરી ચાલુ થાય છે.
ફ્રાન્ઝ કાફકાએ તેમના મિત્ર મેક્સ બ્રોડને પોતાનું સર્જન સળગાવી દેવાનું કહેલું પણ બ્રોડ તેને પ્રગટ કરે છે એ વિશ્વસાહિત્ય માટે ખૂબ નોંધપાત્ર ઘટના ગણાયેલી છે. કાફકાની કૃતિઓમાંથી તેમના વિચારજગતને પામી શકાય છે. સાહિત્યના અભ્યાસુઓ તેમના સર્જનની ખાસિયતને “kafkaesque” તરીકે ઓળખાવે છે. the blend of absurd, surreal and mundane which gave rise to the adjective “kafkaesque” તેમના સર્જનમાં અસંગતિવાદ, અતિવાસ્તવવાદ, અસ્તિત્વવાદ વગેરે જોઈ શકાય છે. વ્લાદિમીર નાબોકોવ ફ્રાન્ઝ કાફકા વિશે કહે છે- “such poet as rilke or such novelists as thomas mann are dwarfs or plaster saint in comparision to him.”
મેં અહીં શીર્ષકમાં જે મોકાણ શબ્દપ્રયોગ કર્યો છે તેનો ભગવદગોમંડલમાં આવો અર્થ છે- “પાયમાલી; ખરાબી; સત્યાનાશ; નખોદ. પીડા; આફત. મરણના સમાચાર; માઠા સમાચાર.” જર્મન ભાષામાં લખાયેલી અને અંગ્રેજીમાં અનુવાદિત આ ‘ધ મેટામોર્ફોસિસ’ કૃતિમાં ગુજરાતી શબ્દ ‘મોકાણ’ના અર્થસંકેતો કેન્દ્રસ્થાને જોઈ શકાય છે. અચાનક આવી પડેલી અજાણી ભયંકર આફતને લીધે અહીં સામસાની પીડાનું વર્ણન કે તેની પાયમાલ થયેલી સ્થિતિ જે રીતે દર્શાવાયેલી છે તેના કેન્દ્રમાં સર્જકનો મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ છે, જે મનુષ્યના અસ્તિત્વને-Human Existanceની આંટીઘૂંટીને રજૂ કરે છે. એક જ સમયે માણસમાંથી જંતુમા પરિવર્તિત થઈ ગયેલ પાત્ર જે વર્તમાન સમયમાં માણસ તરીકેની પીડાનો અનુભવ કરે છે. એટલે એક જ સમયમાં સામસા જંતુ અને માણસ એમ બેવ પ્રકારનું જીવન અનુભવે છે. ચેતન-અચેતન Conscious-Un Conscious સ્તરે ચાલતી મૂંઝવણ દ્વારા કશું જ અર્થપૂર્ણ ન હોવાની સ્થિતિ-Being Nothingનું આલેખન જોઈ શકાય છે. કાફકાએ હકીકત અને કલ્પના, reality-Fantasyનું જાળું રચ્યું છે. ફ્રાન્ઝ કાફકા ‘ધ મેટામોર્ફોસિસ’માં રૂપાંતરની જે મોકાણ રજૂ કરે છે એ મોકાણ વિશ્વસાહિત્યમાંના આધુનિક મનુષ્યજીવનની મોકાણ બની રહે છે. આજે ફ્રાન્ઝ કાફ્કાના મૃત્યુને સો વર્ષ થઈ ગયા પણ તેમની કૃતિઓમાંથી નીપજતું “kafkaesque” આજે પણ હયાત છે અને ભવિષ્યમાં પણ રહેશે.
સંદર્ભ-
૧. ફ્રાન્સ કાફ્કાના જીવન વિશેની વિગત માટે Wikipedia.com
૨. ‘ધ મેટામોર્ફોસિસ’ના અંગ્રેજી સંવાદો માટેની લિંક https://www.goodreads.com/work/quotes/2373750-die-verwandlung
૩.કાફકાએ પિતા પર લખેલા પત્ર સંદર્ભની લિંક-https://www.themarginalian.org/2015/03/05/franz-kafka-letter-father/
ડૉ. મનોજ માહ્યાવંશી, ગુજરાતી વિભાગ, ડૉ એ.પી.જે અબ્દુલ કલામ સરકારી કોલેજ,
સિલવાસા-દાદરા નગર હવેલી, ૩૯૬૨૩૦, mahyavanshimanoj@yahoo.co.in
Prayas An Extension … a peer reviewed literary e-Magazine ISSN:2582-8681 Volume 5 issue 4 July – August 2024