સારિકા પરણીને જ્યારથી આવી છે ત્યારથી સતત વિચારે છે એનાં સાસુસસરા આવા કેમ? આવાં એટલે કેવાં? આવો વિચાર આપણને આવે એ સ્વાભાવિક છે! શું તેઓને માથે શિંગડાં ઊગ્યા છે? તેઓનાં કાન, નાક હાથી જેવડા છે? શું તેઓની આંખ ચકલી જેવી છે? શું તેઓને વાનર જેવી પૂંછડી છે? તો પછી તેઓ કેવાં છે? સારિકા ને થાય છે કે તે આ બાબતે શશાંકને , જે તેનો પતિ છે તેને પૂછીને પોતાના મનનું સમાધાન કરે.. પણ સારિકા ડરે છે શશાંકને આવા પ્રશ્નો પૂછવાથી! ક્યાંક ગેરસમજ કરી બેસે તો!
પરણીને સાસરે આવી છે ત્યારથી સાસુ હંસાબેનનો હસતો ચહેરો જોઈને પોતાને ભાગ્યશાળી સમજતી હતી.તેને આશ્ચર્ય ત્યારે થયું જ્યારે તે સવારે ઊઠી ત્યારે તેની સાસુ રસોડામાં વ્યસ્ત હતાં.પોતે રસોડામાં ગઈ ત્યારે પોતાની જાતને તૈયાર કરીને રાખી હતી. કદાચ સાસુ ઠપકો આપે તો સામે નહીં બોલી માફી માગી લેવાની પણ તૈયારી રાખી હતી. પણ એવું કશું ના થયું.પ્રસન્ન ચિત્તે આવકાર આપ્યો અને કહ્યું કે ચાદૂધ તૈયાર છે . જરૂરી સૂચનાઓ આપી તે તેમનાં પૂજાનાં ખંડમાં જતાં રહ્યાં.તે તેમને જતાં જોઈ રહી.
શશાંક અને સારિકા બંને જણ નોકરી કરતાં હતાં.બંનેનું ટિફિન સારિકાની સાસુ કરી લેતાં હતાં.સારિકા સવારે વહેલી ઉઠીને સાસુને મદદ કરવાં ગઈ તો હંસા બહેને એમ કહી ના પાડી દીધી કે ઓફિસમાં તો કામ કરવાનું હોય છે તો જરા મોડી ઊઠે. વહેલાં ઊઠવાની જરૂર નથી . જે દિવસે તે થાકશે ત્યારે સામેથી રસોડાનો કારભાર તેને સોંપી દેશે. સારિકા મનોમન વિચારતી હતી કે ખરેખર આ તેમની ભલમનસાઈ છે કે રસોડા પ્રત્યેની મમતા. એનો અર્થ એ પણ ન હતો કે હંસાબેન, કુટુંબમાં જ્યારે દેરાણી જેઠાણી કોઈ પ્રસંગે ભેગાં થતાં અને વાતો નીકળે તો સારિકાને આરોપીનાં પીંજરામાં તેને મૂકી દે.તે તો સારિકાનાં વખાણ કરતાં થાકે નહીં.સાંજની રસોઈ સારિકાએ સંભાળી લીધી હતી. રસોઈના મસાલામાં કશું ક ઓછુંવધતું થાય તો મીઠી વાણીથી સુધારો વધારો કરી લેતાં પણ ક્યારે ય મહેણાં મારતાં નહીં.શશાંક એકનો એક દીકરો અને તે પણ હંસાબેનને હાથમાં રાખતો હતો. હંસાબેનનાં પતિ મનસુખભાઈ ઘરની રોજબરોજની વાતોમાં માથું મારતાં નહીં.એ ભલાં અને એમનું કામ ભલું.
આજે શનિવાર હતો. હંસાબેન હિંચકા પર બેઠાં બેઠાં ટી.વી.માં આવતી સીરિયલ જોઈ રહ્યાં હતાં. ઑફિસથી ઘરે આવી સારિકા સાસુની બાજુમાં બેસી. હસતાં હસતાં પૂછ્યું,, “ કેમ આજે આડા નથી પડ્યાં? તમને એક વાત પૂછું?”
“ના. એક વાત ન પૂછ..” કહી હંસાબેન સારિકાને જોઈ રહ્યાં.
“ કેમ?”
“ એક વાત પૂછી ને તને સંતોષ નહીં થાય..”
“ સમજાય એવું તો બોલોને .”
“ આ દુખ છે તારા જેવા ભણેલાગણેલા લોકોનું..” કહી હંસાબેન હસવા લાગ્યાં.
“ તમે મારાં મનની વાત કળી ગયાં છો.પણ આજે તો એક વાત પૂછવી છે.”
“ તો પૂછી લે.”
“ તમારું વર્તન મને નથી સમજાતું..”
“ કર વાત.. હવે મને તારી વાત સમજાતી નથી”.
“ કેમ કરીને તમને સમજાવું?”
“ મને સારું લાગશે કે ખરાબ.. એ વિચારવાનું છોડી દે.. સંકોચ થતો હોય તો આંખો બંધ કરીને, પણ મનમાં જે આવે તે તું બોલી નાખ!”
“ બંધ આંખોએ નહીં પણ ખૂલ્લી આંખો રાખીને પૂછું છું કે તમને મારી કોઈ પણ ભૂલ કેમ દેખાતી નથી? મને ક્યારે પણ તમે વઢતાં નથી? “
“ ખોટું તું બોલે છે?”
“ હું ખોટું બોલું છું?”
“ હા”
“ કેવી રીતે?”
“ જો બેટા તને રોજ કોઈ ન કોઈ શિખામણ આપું છું તે શું છે? “
“ ઓહ.. મમ્મીજી! તમારી શિખામણમાં તમારી નારાજગી હોય છે?”
“ તને શું લાગે છે”.
“ મને લાગતું જ નથી. મને ક્યારે પણ નથી લાગ્યું કે તમે મને હર્ટ કર્યુ છે!”
“ તો એમાં મારો વાંક છે?”
“ ઓહ ગોડ! આતો કોઈ ડોક્ટર કડવી દવા સાકરનાં ગાંગડામાં નાખીને આપે એવું એમ ને!”
“ કદાચ, આ તારી વિચાર શક્તિ, સમજનો પ્રભાવ છે!”
“ મમ્મીજી, પ્લીઝ તમે ઊભાં થશો” ઊભા થતાં સારિકાએ પૂછ્યું.
“ તને થોડી ના કહેવાય?”હંસાબેન ઊભા થતાં બોલ્યા.”
હંસાબેન સારિકાની પ્રવૃત્તિ જોઈ રહ્યાં હતાં. સારિકાએ બંધ મુઠ્ઠી વાળી હંસાબેનનાં માથાથી લઈને પગની પાની સુધી પાંચ વાર હાથ ઉપર નીચે કર્યાં.
“ અરે ગાંડી છોડી આ શું કરે છે?”
“ એક મિનિટ આવું..” કહી તે રસોડામાં ગઈ. હસતાં હસતાં તેમની પાસે આવીને કહ્યું કે તે તેમની નજર ઊતારી રહી હતી. હંસાબેન આશ્ચર્ય પામ્યાં.
“ મારી નજર”
“ હા.તમે લાખોમાં એક છો.તમને કોઈની નજર ન લાગે. અને તમે મારું એક નાના બાળકની જેમ લાલનપાલન કરો છો”. કહી હંસાબેનને વળગી પડી.
“ અરે આ શું ગાંડાવેળા કરે છે…તને..”
“ મમ્મીજી મને તમારાં પર વિશ્વાસ છે છતાં તમારા પ્રેમમાં કોઈ ઑટ ન આવે.કદાચ મારાથી કોઈ ભૂલ થઈ જાય…”
“ બસ બસ… હવે હું બેસું કે..”
“ બેસો અને તમારી ટીવી સિરિયલ જુઓ.તમારા માટે ચા બનાવીને લાવું છું….”
હંસાબેન જોઈ રહ્યાં સારિકાને અને વિચારવા લાગ્યા આ છોકરીને શું થયું છે? શુ એને અસલામતીનો ડર તેમનાં તરફથી લાગ્યો છે કે?
આવા હસતાં ,કલરવ કરતાં સારિકાનાં સંસારમાં જો કોઈ દખલરુપ હોય તો તેનાં મિત્રોની થતી માસિક કીટી પાર્ટી.સારિકાની કીટી પાર્ટી સાસુ નામના વાક્યથી શરૂ થાય અથવા પૂરી થાય. કોઈ ન કોઈ બહાને સાસુજી નું નામ ટપકી પડે.સારિકા ચૂપચાપ એની સહેલીઓ દ્રારા થતું તેઓની સાસુનું અપમાન સાંભળી દુખી થઈ જતી હતી. સારિકા હંમેશા તેની સાસુનાં ગુણગાન ગાતી, અને તેની સહેલીઓ સારિકાની હસીમજાક ઉડાવતાં હતાં. પણ સારિકાને લાગ્યું કે ચૂપ રહેવામાં મજા છે, કારણ તેઓની પીડા તેઓ જાણે! વળી સાસુવહુના ઝઘડા તો જગવિખ્યાત છે. વાર્તા હોય કે પિક્ચર કે નાટક કે ટીવી સિરિયલ સાસુ અથવા વહુને વિલન તરીકે સૌ દર્શાવતાં હોય છે. સારિકાને પોતાને નવાઈ લાગતી હતી કે તે નશીબદાર છે. છતાં ઊંડે ઊંડે આશંકાનો કીડો તેનાં મનમાં સળવળી ઊઠતો કે સાસુમાનું સુખ તેનાં નશીબમાં કાયમ માટે લખાયેલું જ રહેશેને!
ખરી મજા ત્યારે આવતી જ્યારે કોઇ કારણસર હંસાબેનમોઢું ચઢાવીને બેઠાં હોય ત્યારે શશાંક સારિકાને પૂછી પૂછી હેરાન કરી નાખતો હતો.
“ મમ્મીને શું થયું છે? શું તમારા બંને વચ્ચે તું તું મૈં મૈં થયું હતું?”
સારિકા શશાંકને સમજાવી સમજાવી થાકી જતી હતી કે એવું કશું બન્યું નથી જેવું તે ધારી રહ્યો હતો.સારિકા મજાક કરતાં કહેતી , “ તું જાતે જ પૂછી લે ને,થઈ જશે તારા મનનું સમાધાન.” શશાંક એ વાત પણ જાણતો હતો કે જો તે કશું પણ પૂછવા જશે તો તેની મમ્મી સીધો જવાબ નહીં આપે! સારિકાએ એક નિયમ બનાવી રાખ્યો હતો કે સાસુજીનો ગુસ્સો ઠંડો પડે ત્યારે વાત જાણી સમજાવટથી કામ લેવું!
સારિકાનાં સાસુ હંસાબેન, અને હંસાબેનનાં સાસુ કમળાબેનની તબિયત નરમગરમ રહેતાં હંસાબેને કમળાબેનને દેશમાંથી ઘરે તેડાવી લીધાં હતાં.જેવી રીતે શશાંકે સારિકાને કહ્યું હતું કે મમ્મીનું મગજ ગરમ છે, મમ્મીનુ ધાર્યું ન થાય તો ગુસ્સો જલદી આવી જાય છે અને ગુસ્સો વળી પાછો જલ્દીથી ઠંડો પણ પડી જાય છે તો મૌનરહેવામા મજા છે. આ વાત હંસાબેને જ્યારે સારિકાને કમળાબેન માટે કહી ત્યારે સારિકા હસી હસીને બેવડ બની ગઈ હતી. સારિકાનું હસવાનું કારણ જાણ્યાં પછી તો હંસાબેન પણ છાનું છાનું મલકાઈ રહ્યાં હતાં.
પણ હવે આશ્ચર્ય થવાનો વારો સારિકાને આવ્યો હતો.કમળાબેન માટે જે જે લક્ષ્મણ રેખા હંસાબેને દોરી હતી એવું કશું બનતું ન હતું.સવાર સાંજ સાસુ અને વડ સાસુ દેવદર્શન માટે મંદિરે જતાં હતાં.આ જોઈ છે, તે જોઈએ છે, આવું કેમ બનાવ્યું છે, માથે કેમ ઓઢ્યું નથી, એઠું જુઠુંની પરંપરા, કે સારિકાની પાસે હંસાબેનની કોઈ ટીકા પણ કરતાં નહીં.
ઘરમાં સારિકા અને કમળાબેન હતાં. હંસાબેન મંદિરે ગયાં હતાં.
“ બા, તમે મંદિરે કેમ નથી ગયાં? તબિયત તો સારી છે ને?” સારિકાએ કમળાબેનની બાજુમાં બેસતાં પૂછ્યું.
“ રાતભર માથું દુખે છે.સૂતી પણ નથી.” કમળાબેને પથારીમાં બેઠાં થતા કહ્યું.
“ માથું દબાવી આપું છું.” બામ લઈને આવી કહેતાં સારિકા બામની બાટલી લેવા ગઈ.કમળાબેન સારિકાને જોઈ રહ્યા અને વિચારવા લાગ્યા કે સમયે પોતાને કેવી બદલી નાખી હતી! હંસા પરણીને આવી ત્યારે આવું કહેતી તો કમળાબેનનો ગુસ્સો દાવાનળની જેમ ફાટી નીકળતો અને હંસાબેનને ન કહેવાય તેવાં વેણ કહી ઝઘડો કરતાં હતાં.હંસાબેનની દરેક સકારાત્મક વાતો તેમને અવળી લાગતી હતી. પાડોશમાં કોઈ હંસાબેનનું સારું બોલી જાય તે કમળાબેનથી સહન થતું નહીં!
“ બા,સૂઈ જાવ, તમારે માથે બામ લગાડી દઉં તમને આરામ થઈ જશે.”
“ ના,રહેવા દે, હંસા હમણાં આવશે, તેને કહીશ.તું લગાડે તો લોકો શું કહેશે?”
“ લોકોને જે કહેવું હોય તે ભલે કહે, આપણે લોકોની વાતો આપણાં કાને લેવાની જ નહીં.ચલો સૂઈ જાવ તો..” સારિકાએ લાડ લડાવતાં કહ્યું. કમળાબેનને સારિકાનાં લાડપ્યાર ગમ્યાં. આંખો બંધ કરીને તકિયા પર માથું મૂક્યું. સારિકા કમળાબેનનાં કપાળ પર હળવે હાથે બામ ધસતી હતી.અચાનક સારિકાનું ધ્યાન ગયું,કમળાબેનની આંખોમાંથી આંસુઓની ધારા નીકળી રહી હતી.
“ બા, તમે કેમ રડો છો? શું થયું?”
“ કશું નથી થયું. બસ ભૂતકાળ યાદ આવી ગયો. કેવી હતી હું અને આજે કેવી છું હું લાચાર! “
“ ઓહ! બા, આને લાચારી ન કહેવાય! આતો ખાટાંમીઠાં સંભારણા કહેવાય!”
“ સાચી વાત છે તારી.મેં જીવનમાં એવું કશું નથી કર્યું કે યાદ કરીને સુખી થવાય. જવાનીનાં જોરમાં હંસાને દુખ જ આપ્યું છે. સાસુપણુ જતાવાની લાયમાં કારણ વગરનો ઝઘડો કરતી અને…બચારી ખાધાપીધા વગર સૂઈ જતી,અને સવાર પડે ને મને બા બા કહેતી મનાવતી અને દૂધ નાસ્તો મૂકીને ખવરાવતી, પણ હું ક્યારેય એનાં ગુણોને સમજી ના શકી અને તેનાં ગુણોમાં પણ મને અવગુણો દેખાતા હતાં! “
“ એવું કેમ?”
“ ઘરમાં વહુ આવે એટલે કામકાજ તો હોય નહીં, હોય ચાલીનો કે મંદિરનો ઓટલો.. અમારા જેવા ભેગાં થાય અને દરેક જણ પોતાની વહુની ખરીખોટી સંભળાવે, ઘરમાં અસલામતી લાગે, કદાચ ઘરમાંથી બહાર કાઢી મુકશે તો? આવા વિચારો ન સુખેથી જીવવા દે. અને કારણ વગરનું મહાભારત રચાઈ જાય! ઓટલા પરની ગંદકી ત્યાં જ ખંખેરી નાખવી જોઇએ એવી ગતાગમ પણ ક્યાં હતી અમારામાં! જે જુલમ અમારી સાસુએ અમારા પર ગુજાર્યો તે અમે આમારી વહુ પર ગુજારતાં હતાં..પણ એક વાત કહું,તને ખોટું તો નહીં લાગેને!”
“ ના રે ના. કહો “ સારિકાએ હસતાં હસતાં કહ્યું.
“ તું તારી સાસુનું ધ્યાન રાખજે. ભગવાન તને સુખી રાખશે.”
“ અરે બા મારા સાસુ તો મારું ધ્યાન રાખે છે..”
“ એ તો જોઈ રહી છું હું..પોતાની કાયા ઘસી નાખશે પણ કોઇને નહીં કહે..ચલ, મને સૂવા દે..”
જ્યારે સારિકાએ આ વાત મોકો મળતા હંસાબેનને કહી ત્યારે હસતાં હસતાં સારિકાને કહ્યું કે સંસાર છે આવું ચાલ્યાં કરે. આ બધું યાદ રાખવા કરતાં ભૂલી જવામાં મજા છે. સારિકાએ ધીમેથી પૂછયું,” મમ્મી, તમે મને જે લાડપ્યાર આપો છો તેનું કારણ પણ આ જ ને?”
“ કદાચ તે પણ હોય. અમારા પર જે વીત્યું તે તમારા પર શા માટે વીતવું જોઈએ? સરવાળે આમાં બલિ કોણ ચઢે છે? બિચારો પુરુષ! ન તો માને સમજાવી શકે અને પત્નીની નજરમાં હોય એક ગુનેગાર જેવો, આંખોથી આંખ ન મિલાવી શકે.. સૂડી વચ્ચે સોપારી જેવી સ્થિતિ હોય છે.. એક વાર તો આવા ક્લેશથી કંટાળીને વિષ પી લીધેલું..”
“ કોને ?”
“ તારા સસરાએ.ડોક્ટરની સારવાર મળતાં બચી ગયાં, પણ આ પ્રસંગથી એટલા તૂટી ગયાં છે કે ઘરમાં કામ પૂરતી વાત કરે છે! અમારા વચ્ચે પણ ખપ પૂરતો વહેવાર છે. એક ન સમજાય એવી દૂરી રચાઈ ગઈ છે. એ ભલાં એમનો વ્યવસાય ભલો!”
“ પણ એવું તે શું થયું કે એમને વિષ પીવું પડ્યું?”
“ અરે એની પણ એક કરમકહાની છે. મકાનમાં પાર્ટી હતી. અમે સૌ કપલો અગાસીમાં એકઠાં થયેલા હતાં. દરેક જણાએ કોટ પેંટ પહેરવાનાં હતાં.મને ખબર હતી આતો ઘાસમાં તણખલો નાંખવા જેવું છે.મારી ના છતાં તારા સસરાએ જીદ પકડી. મેં ઘણું સમજાવ્યાં કે તમારી માને ખબર પડશે તો ઘરમાં કજિયો થશે. તેમને દલીલ કરી કે ખબર પડે તો ને!.બે દિવસ તો વીતી ગયા. અમે ખુશ હતાં કે સાસુને ખબર નથી પડી. પણ આવી વાત છાની થોડી રહે..બસ એટલો મોટો કજિયો થયો કે જીવવું હરામ થઈ ગયું હતું અને આવેશમાં આવી જઈ તારા સસરાએ ઝેર પીધું પણ આવરદા લાંબી કે બચી ગયાં પણ આ કૃત્યથી તો તેમને એવો આધાત લાગ્યો છે કે હજી એમાંથી બહાર નથી નીકળી શક્યાં!”
“ઓહ!” સારિકા એક નિશ્વાસ સાથે બારી બહાર જોઈ રહી હતી.
ઘરમાં ખુશી છવાઈ ગઈ હતી. સારિકાને સારા દિવસો જતાં હતાં.શશાંક અને સારિકાએ હસતાં હસતાં આ સમાચાર મનસુખભાઈ ને હંસાબેનની હાજરીમાં આપ્યાં.મનસુખભાઇએ અભિનંદન આપ્યાં.
“ અભિનંદનથી આજે નહીં ચાલે , પાર્ટી આપ .. હોટલમાં જઈએ…”
સૌ ચોંકી ગયાં.કમળાબેન ઊભા હતાં.કોટપેંટ પહેરીને!
Prayas An Extension… A Peer reviewed literary e journal, ISSN – 2582-8681, vol. 4, Issue 1, Jan.-Feb:2023