– જાગૃતિ મહેશકુમાર પટેલ
વર્ષ 2022 અશોકપુરી ગોસ્વામી લિખિત અંધારા કોચી અજવાસ કરતી વંચિત નાયિકાની નવલકથા એટલે ‘જૂઠી’. વાચકોમાં ‘બીજા પન્નાલાલ’ તરીકે પ્રિય આ સર્જક ઇશ્વર પેટલીકર અને પન્નાલાલ પટેલ પછીના પીઢ અનુગામી તરીકે કેમ ઓળખાય છે ? – તે પ્રશ્નનો સુપેરે ઉત્તર આપતી આ નવલકથાની નાયિકા ‘જૂઠી’નું પાત્ર ‘ચંદા’ના પાત્રની આદ્રશ્ય છે. આ સર્જકનું સાહિત્ય સર્જન તેમના ઘર, ગામ અને જનની સાચી વાર્તાઓ કહેતું હોવાથી તેમની કથા, વાર્તાઓ અને કવિતાઓ જાણે કે ભારતીય ગ્રામીણ સાહિત્યના સાચુકલા દસ્તાવેજ સમા લાગે છે.
કુલ દસ નવલકથાઓ, ત્રણ કવિતા સંગ્રહ અને અન્ય ત્રણ ગ્રંથો થકી તેઓ ગુજરાતી સાહિત્યનો ચહેરો – મહોરો બદલવાં સફળ નીવડ્યાં છે. તેમની કથા – વાર્તાઓ તથા નવલકથાઓ નારીચેતના, નારીવિમર્શ અને સ્ત્રી સશક્તિકરણની માત્ર વકીલાત જ નથી કરતી પરંતુ ભારતીય માતૃત્વનો મહિમા પણ કરે છે. તેમની કૃતિઓના અનુવાદ હિન્દી, મરાઠી, ઉર્દૂ, કન્નડ, મૈથિલી વગેરે ભાષાઓમાં થયા છે. તેમને મળેલાં રાજ્ય, રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરના પુરસ્કારો તેમને ઉત્તમ કોટિના સર્જકની હરોળમાં મૂકવા પૂરતાં છે.
આ નવલકથા કોઈ સુધારાવાદી નવલકથા નથી પરંતુ સુધારાવાદી વિચારસરણી માટે ફરજ પાડે તેવી તો ચોક્કસ છે જ. આ નવલકથાનું કલેવર વાંચવા જેવું નહીં પણ પામવા જેવું છે અને તે પણ માત્ર ભાષા થકી નહીં પરંતુ તેમાં પ્રયોજાયેલી બોલી થકી. સર્જકે અહીં મધ્યગુજરાતના મહીસાગરના ગ્રામજીવનમાં રોજિંદા વ્યવહારમાં બોલાતી બોલીનો પ્રયોગ કર્યો છે. જેમાં લોકમાતા મહીસાગરનો વિશિષ્ટ પ્રભાવ અને સ્વભાવ આબેહૂબ ઝીલાયો છે.
વર્ષ 2022માં પ્રગટ થયેલા સાંપ્રત સાહિત્ય અંતર્ગત ઘણીબધી કૃતિઓની વચ્ચે આ કૃતિ વાંચતા ઉદ્દભવેલો પ્રથમ પ્રશ્ન – કોઈ સર્જક પોતાની કૃતિમાંના પાત્રને પોતે જ ‘જૂઠી’ એમ કહે ખરું ? આથી એક વાત એ પણ સમજાઈ કે અન્ય સર્જકોથી આ સર્જક છે તો જરા ‘હટ કે.’
દાયકાઓ પૂર્વે મરાઠી સાહિત્યના દુર્ગા ભાગવતે આજના સર્જાતા સાહિત્યને ‘સાડા ત્રણ ટકા’ ઉજળિયાતનું સાહિત્ય કહીને આક્રોશ વ્યક્ત કર્યો હતો. બાકીની ‘સાડી છન્નું’ ટકા વસ્તીનું …. એમની ઓળખનું… એમના જીવતરનું સાહિત્ય કોણ, ક્યારે લખશે… ?? એમનું આ મહેણું ફેડવાની દિશામાં સર્જક દ્વારા થયેલું પ્રથમ પ્રસ્થાન એટલે આ નવલકથા ‘જૂઠી.’ ‘સાડી છન્નું ટકા’ વસ્તીનું પ્રતિનિધિત્વ કરતી નાયિકા એટલે આ ‘જૂઠી.’
આ નવલકથાનું કથાવસ્તુ કંઈક આ મુજબ છે : સમાજે જેને વગોવી/અવગણી પોતાનાથી આઘા, અલગ રાખ્યા છે તેવી કોમના બે મુખ્ય પાત્રો નામે – બુધસંગ ઉર્ફે બુધો અને ગજરા ઉર્ફે જૂઠી. આ નવપરણિત યુગલના કઢંગા દાંમ્પત્યજીવનથી આ નવલકથા આરંભ થાય છે. જ્યાં ગામના સવર્ણ લોકો જવાનું પણ પસંદ નથી કરતાં તેવું આ ગામના છેવાડે આવેલું પરું છે. નવલકથાનો નાયક બુધો હજૂરિયો/ડફેર/ચોર છે જે પેટનો ખાડો પૂરવા પરોગરામ (ચોરી) કરે છે. આ કામ તેને ખોટું કે ખરાબ નથી લાગતું કારણ કે તે માને છે કે, તે જેમને ત્યાં ચોરી કરે છે કે જેમની સાથે છેતરપિંડી કરે છે તે લોકો તેમની જસંપત્તિ દબાવીને બેઠા છે. તેઓ બુધા જેવા લોકો પાસે તેમના ખેતરો અને કારખાનાઓમાં મરે ત્યાં સુધી સાવ નજીવી કિંમતે ફક્ત મજૂરી જ કરાવે છે.નવી આવેલી પરણેતર ગજરાને પોતાનો નફકરો, જોરૂકો, જુવાનિયો મરદ તો ગમે છે પરંતુ તેના ચોરી કે ઠગાઈ કરવા જેવાં કામો ગમતાં નથી. આથી તેને આ કામ કરવા જતો રોકવા તે નિતનવાં પ્રયોગો કરે છે. તે ઇચ્છે છે કે તેનો પતિ સીધોસાદો બનીને રહે, જાનવર જેવો નહીં.
સંજોગોના રમ્મ ચક્કર ફરતા ચાકડે ચડાવીને સર્જક આ બંનેના જીવનને ‘Little Better’ બનાવવા તેમને ‘જા… ખેડ’ નામના ગામમાં ગાંધીવાદી માણસો વચ્ચે પહોંચાડી દે છે. આ પરભોમના માનવીઓ સાથે તેમનો એવો તો ઘરોબો બંધાય છે કે તેમને પોતાનું ગામ ‘રાખ્ખસો’ (રાક્ષસો)નું ગામ લાગવા માંડે છે. દિવસ -રાત દારૂના નશામાં રહેતો બુધો અહીં સાકરિયા ખેતરના કામને જ જાણે કે નશો બનાવી લે છે.
અનાયાસે પૂનમે મહીસાગર નાહવા જતા આ દંપતીને પોતે બહિષ્કૃત કોમના છે તેવું જણાવ્યા બાદ પણ જે પોતાનું ખેતર ખેડવા આપે છે, એટલું જ નહીં, તેમને ગામ લોકોની વિરુદ્ધ જઈને પણ પોતાના જ ખેતરમાં રહેવાની વ્યવસ્થા કરી આપનાર કિરપાશંકર મહારાજ જાણે કે દેવદૂત બનીને મળે છે. ગામ લોકોના સંગ અને કિરપાશંકરના પ્રતાપે એક સમયે ચોરી કરતો બુધો ગાંધીજીના ‘ગુનેગાર સુધારણા કેન્દ્ર’માં ગાંધીટોપી પહેરી પહેરો દેવાનું કામ કરે છે. ‘જા…ખેડ’ ગામમાં તેમને પોતાના ગામ કરતાં પણ વધુ સ્નેહ અને સંબંધોમળે છે. ઠરીઠામ થયા બાદ ગજરા ગર્ભવતી થાય છે. આમ, વર્ષોથી એક જ ઘરેડમાં જીવન જીવતા આ દંપતીના નવા જીવનને સર્જકે તેની કૂખે અવતરનારના જન્મ સાથે જોડ્યું છે. સર્જકની સર્જકપ્રતિભાના દર્શન તો ત્યારે થાય છે જ્યારે તે આ પાત્રોને પોતે કાબૂમાં રાખીને ‘જનમ’ને મેટાફર (પરિવર્તનનું રૂપક) તરીકે પ્રયોજી શિશુના જન્મ સાથે નાયક-નાયિકામાં ‘જીવન જીવવાની સમજનો જન્મ’ તરીકે પ્રયોજે છે.
આ કથામાં આવતા બે સહાયક પાત્રો કિરપાશંકર મહારાજ અને ઢગામોટા ઉર્ફે સખીદાસ – ગુજરાતના જાહેરજીવનને સહુથી વધુ પ્રભાવિત કરનાર ગાંધીજી અને રવિશંકર મહારાજના પ્રભાવક અનુયાયીઓ છે. આ ઉપરાંત કથામાં દેવો કુંભાર, નભુ રબારી, લંગડી બકરી, કાળિયો કૂતરો જેવી ગૌણ પાત્રસૃષ્ટિ પણ છે પરંતુ સર્જક તો મુખ્ય પાત્રોના જીવનકુંભને ઘાટ-આકાર આપી, સમયના નીંભાડે પકવી કથાન્તે પરભોમના નવીન પરંતુ પોતીકા વાતાવરણમાં માતાપિતા બનાવે છે. અલબત્ત, આ નવલકથાનું કથાવસ્તુ અને પાત્ર કે સ્થળ વગેરે કાલ્પનિક હોવા છતાં તે લેશમાત્ર પારકાં કે બનાવટી લાગતા નથી.
સર્જકને જે અસલમાં કહેવું છે તે આ કહેવાયેલી કાલ્પનિક કથા ઓથે રહેલી પ્રચ્છન્ન કથા જ છે. અહીં પન્નાલાલ પટેલની કથાઓની જેમ કોઈ ‘Anti-Hero’ નથી પરંતુ સદ્દ અને અસદ્દ પોતાની સહજ ઉપસ્થિતિનો અનુભવ કથામાં સમાંતરે કરાવે છે.
નવલકથાનું શીર્ષક ‘જૂઠી’ શાબ્દિક દ્રષ્ટિએ વિભિન્ન અર્થછાયાઓ પ્રગટ કરે છે. કથાનાયિકા ગજરાનું મૂળ નામ બદલી જૂઠી રાખીને સર્જકે વાચકને પ્રતીતિકર લાગે તે રીતે નવું ભાવકલ્પન રજૂ કર્યું છે. હકીકતે તો આઝાદીના પંચોતેર વર્ષ પૂર્ણ થયા બાદ પણ જ્ઞાતિ-જાતિ વગેરેના સીમાડાઓમાં જીવતા આપણે સૌ કહેવાતા આધુનિક માણસોની છેવાડાના માનવીને મુલવવાની રીત જ જૂઠી-ખોટી છે, એવો આડકતરો ભાવ સર્જક પ્રગટાવે છે.
પોતાનો પતિ ચોરી કરીને લાવેલું કડું જ્યારે માતાજીના નૈવેદ માટે આપે છે ત્યારે તે અનીતિનું (અનૂતનું) છે એટલે તેને વેચીને નૈવેદ ન થાય તે વાત નાયિકા ગજરાની નિયત કે દાનત ‘જૂઠી’ નહીં પરંતુ સાચી છે તે દર્શાવે છે. આ ઉપરાંત અવારનવાર તેને રીઝવવા મથતા પતિને ચોરીના પૈસામાંથી પોતા માટે ખરીદેલી કોઈ ભેટસોગાદ તેને ન ખપે એમ સ્પષ્ટપણે કહી દેતી ગજરા સાચી નિયતની માલકણ હોવાનો પુરાવો પૂરો પાડે છે.
આમ, સાવ સાચુકલી નાયિકાને સહુ પાસે જૂઠી કહેવડાવી સર્જક વાચકને ‘તમારી તમામ વિચારસરણી જૂઠી છે’ એમ પ્રતિપાદ કરાવે છે.
જ્યારે એક વ્યક્તિ સમજપૂર્વક જીવે છે ત્યારે ઘણા બધા પરિવર્તન… સુધારાની હવા ફૂંકાય છે. એક વ્યક્તિના સુધરવાથી સારી દિશાના પરિવર્તનનો વેગ બમણો થાય છે. કોઈ સર્જક જન્મથી જ કોઈ ઉચ્ચજ્ઞાતિની સ્ત્રીને થોડા સમય માટે અધઃપતનમાં ધકેલી દે અને પછી તેનો ઉદ્ધાર થતો બતાવે એ સર્જકે પસંદ કરેલો સુધારાનો મધ્યમ માર્ગ છે, જેમાં સર્જકના ભાગે નહીવત્ સંઘર્ષ આવે છે. એ પરિપ્રેક્ષ્યમાં અહીં ‘જૂઠી’ની નાયિકા જૂઠી કે બનાવટી જરાય નથી લાગતી. તેના જીવનની ગતિ પતનથી ઉન્નતિ તરફ હોવાથી તે સહજ સ્વીકાર્ય છે.
સર્જક સ્વનિવેદનમાં નોંધે છે તેમ, જો દુઃખ સહીનેય; અનહદ દુઃખ સહીનેયજીવી જવાની મનુજમાં તાકાત છે તો…. ‘શા માટે એ તાકાત દુઃખ નિર્મિત કરતાં પરિબળોને નાથી નથી શકતી…?!’
આનો જવાબ છે આપણી જીવન અંગેની સમજણની ઉપેક્ષા. જે દિવસે જીવનનો સાચો અર્થ પામીને મનુષ્ય એ સમજણનો મહિમા કરતો થઈ જશે તે દિવસે આપણે સાચા અર્થમાં સામાજિક પરિવર્તન લાવી શકીશું.
આમ, આ નવલકથા વિચારોની અસમાનતા ધરાવતાને બંધિયારપણામાંથી બહાર લાવી પરિવર્તનનો પવન ફૂંકતી કથા છે તે વિશે કોઈ જ બે મત નથી અને સર્જક પાસેથી માત્ર પરિવર્તન પૂરતું પરિવર્તન નહીં, પરંતુ આવું વિચારશીલ પરિવર્તન રજૂ કરતું સાહિત્ય મળતું રહે તેવી અભ્યર્થના.
: સંદર્ભ :
1)‘નિવેદન’માંથી, ગોસ્વામી અશોકપુરી, ‘જૂઠી’ (નવલકથા), આર. આર. શેઠ પ્રા. લિ. પૃ.7-8.
2)‘જૂઠી નહીં પણ સાચી..’ પંડિત અરવિંદ, ‘જૂઠી’ (નવલકથા), આર. આર. શેઠ પ્રા. લિ. પૃ.12-15.1
જાગૃતિ મહેશકુમાર પટેલ
C/5, શંખનાદ એપાર્ટમેન્ટ, વાસુપૂજ્ય ટાવર પાસે,
નારણપુરા, અમદાવાદ-380013