કોઈ પણ ભાષા-સાહિત્ય માટે સામયિકો તેની મૂલ્યવાન જણસ હોય છે. કારણ કે, સામયિકો દ્વારા જ તેના સાંપ્રત સર્જનકર્મને અવકાશ મળતો હોય છે. સામયિકો દ્વારા જ સર્જન અને સંશોધન વિશાળ ભાવક સમુદાય સુધી પહોંચતું હોય છે. કોઈ સહૃદય ભાવકે કોઈ કલાકૃતિનો રસાનુભવ કર્યો હોય તો અન્ય ભાવકો સુધી તેનાં ભાવનની વહેચણી આ સામયિકો દ્વારા સરળતાથી થતી હોય છે. અનુભવી કલમો ને અહી પ્રયોગશીલતા દાખવવાની રમણભૂમિ મળે છે અને નવોદિત કલમોને પંકાયેલી પ્રતિભાઓની પંક્તિમાં બેસી અને કલા પદારથના પાઠો શીખીને પ્રકાશમાં આવવાની તક મળે છે. આમ, બન્ને કોટિની સર્જકતા અને પ્રબુધ્ધતાના પોંખણાં સામયિકો દ્વારા થતાં હોય છે. સામયિક આશાસ્પદ સર્જકોની રચનાને પ્રકાશિત કરી સાંપ્રત સમયને ધબકતો રાખે છે. તો બીજી તરફ અનુભવી સંશોધક, વિવેચકના અનુભવોનો નીચોડ લેખ સ્વરૂપે પ્રગટ કરી નવા સંશોધકો અને અભ્યાસીઓને દિશા પૂરી પાડે છે. વધુમાં, સાહિત્યિક સામયિક લખાતાં સાહિત્યનો દસ્તાવેજી પુરાવો છે. એ રીતે એનું ઐતિહાસિક મહત્ત્વ પણ છે. ભવિષ્યમાં આવા સામયિકો સાહિત્યિક ઇતિહાસની પીઠિકા બને છે.

        ‘પ્રયાસ An Extension… ’ સામયિક ગુજરાતી ભાષાનાં સાહિત્યની સર્જનાત્મક અને સંશોધનાત્મક/વિવેચનાત્મક પ્રવૃત્તિઓ માટે એક ક્યારી બનવાની મનીષા સેવે છે. સાહિત્ય ઉપરાંત ચિત્ર, શિલ્પ, સંગીત, નાટક, નૃત્ય અને છબીકલા જેવી લલિત કલાઓના સર્જન અને વિવેચનને એક જ ફલક પર સાકાર કરવાનો એક વિનમ્ર પ્રયાસ છે.

        ‘પ્રયાસ An Extension…’ સામયિકના લોગોમાં જે રેખાંકન છે, એ શ્રી કૃષ્ણ પડીયાનાં એક સુંદર શિલ્પ ‘પદ કમલ’ની અનુકૃતિ છે. લોગો તરીકે ઉપયોગ કરવા માટે એમણે પોતાનાં આ શિલ્પની આકૃતિ અમને વિનામૂલ્યે આપી તે માટે ‘પ્રયાસ’ શ્રી કૃષ્ણ પડીયાનું હંમેશા ઋણી રહેશે.

  • ‘પ્રયાસ An Extension…‘ એક દ્વિમાસિક ઇ-સામયિક છે. જે ફેબ્રુઆરી, એપ્રિલ, જુન, ઓગષ્ટ, ઓક્ટોબર અને ડીસેમ્બર મહિનાની છેલ્લી તારીખે પ્રકાશિત થશે.
  • ‘પ્રયાસ An Extension…’ સામયિક ગુજરાતી ભાષાની સર્જનાત્મક કૃતિ ને આવકારે છે તથા સાહિત્ય, સંશોધન, વિવેચન આસ્વાદ લેખોનું પણ અહી સ્વાગત છે.
  • ‘પ્રયાસ An Extension…’ સામયિક સાહિત્ય સહિત અન્ય કળાઓ જેવી કે, ચિત્ર, સ્થાપત્ય, સંગીત, નાટક વગેરે દૃશ્ય-શ્રાવ્ય કળાઓને(ફોટો, વિડિયો અને ઓડિયો સ્વરૂપે) સહર્ષ સ્વીકારે છે.

         ગુજરાતી સાહિત્યિક સામયિકોની એક ભવ્ય પરંપરા રહી છે, એ સ્વર્ણિમ શ્રુંખલાની વર્તમાન સમયની એક કડી બની સાહિત્યની સેવા કરવાથી ઈતર કોઈ હેતુ આ પ્રકલ્પનો નથી. બહુ ભાવપૂર્વક સાહિત્યના સર્જક અને સંશોધકનું આ સામાયિકને આંગણે સ્વાગત છે.

          આવો, સાથે મળીને સર્જન અને ભાવનનો ઉત્સવ ઉજવીએ.

2 thoughts on “Home”

Comments are closed.